રાજસ્થાનમાં મગફળીના વાવેતરમાં ૩૦ ટકાનો ઘટાડો : ગવારનું વધ્યું

01 July, 2022 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનમાં ખરીફ વાવેતરમાં ૩૦ ટકાનો વધારો જોવાયો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતની તુલનાએ રાજસ્થાનમાં ઑલઓવર ખરીફ પાકોના વાવેતર ગયા વર્ષની તુલનાએ ૩૦ ટકા વધ્યા છે, પંરતુ મગફળીના વાવેતરમાં ગયા વર્ષની તુલનાએ ૩૦ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ ગવારના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય એવા રાજસ્થાનમાં આ વર્ષે વાવેતર વિસ્તાર અત્યાર સુધીમાં ગયા વર્ષની તુલનાએ બમણો બતાવે છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પર વાવેતરની પ્રગતિ જોવા મળશે.

રાજસ્થાન સરકારના કૃષિ વિભાગના તાજા આંકડાઓ મુજબ રાજ્યમાં ૨૯ જૂન સુધીમાં ખરીફ પાકોનું વાવેતર ૨૯.૭૫ ટકા વધ્યું છે. કઠોળ પાકોના વાવેતરમાં પણ સારો એવો વધારો થયો છે. મઠનું વાવેતર તો ગયા વર્ષની તુલનાએ પાંચ ગણાથી પણ વધારે થયું છે, જ્યારે મગના વાવેતરમાં ૬૫ ટકાનો વધારો થયો છે.

તેલીબિયાં પાકોમાં મગફળીનું વાવેતર ૩૦ ટકા ઘટીને ૩.૫૦ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે પાંચ લાખ હેક્ટરમાં થયું હતું. જુવારનું વાવેતર ઘટ્યું છે, પરંતુ બાજરીના વાવેતરમાં ૭૫ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે.

business news