અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વધવા વિશે ફેડની ઢીલી કમેન્ટથી સોનામાં નવો ઉછાળો

13 January, 2022 03:21 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વધારવા વિશે ફેડની ઢીલી કમેન્ટથી સોના-ચાંદી વધ્યાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વધારવા વિશે ફેડની ઢીલી કમેન્ટથી સોના-ચાંદી વધ્યાં હતાં. વળી ચીન અને જર્મનીનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ધારણાથી
નીચું આવતાં સેન્ટ્રલ બૅન્કોની ઇઝી મૉનિટરી પૉલિસી હજી લાંબી ચાલશે એવી ધારણાએ સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૩૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૯૧ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહ
અમેરિકન ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલે સેનેટ સમક્ષ જણાવ્યું હતું કે ઇન્ફ્લેશન મુસીબત બને એ પહેલાં એને રોકવા ફેડ મક્કમ છે, પણ ઇન્ફ્લેશન કાબૂ બહાર જશે તો જ ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે તેમ જ બૅલૅન્સશીટ ટાઇટ કરવાનું કાર્ય ૨૦૨૨ના અંતિમ તબક્કામાં થશે. ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારવા અંગે ‘જો અને તો’ની વાત કરતાં સોનું વધ્યું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમ પણ વધ્યાં હતાં. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનનું ઇન્ફ્લેશન ડિસેમ્બર મહિનામાં ઘટીને ૧.૫ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૧૫ મહિનાની ઊંચાઈએ ૨.૩ ટકા હતું. વળી માર્કેટની ૧.૮ ટકાની ધારણા કરતાં ઇન્ફ્લેશન ઓછું રહ્યું હતું. ચીનમાં ફૂડ પ્રાઇસ ડિસેમ્બરમાં ૧.૨ ટકા ઘટ્યા હતા જે છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત ઘ્યા હતા. ચીનનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ડિેસમ્બરમાં ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૧૦.૩ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૧૨.૯ ટકા હતું અને માર્કેટની ધારણા ૧૧.૧ ટકાની હતી. ચીનની નવી બૅન્ક લોન ૨૦૨૧માં રેકૉર્ડબ્રેક ઊંચાઈએ ૧૯.૯૫ ટ્રિલ્યન યુઆને પહોંચી હતી જે ૨૦૨૦ કરતાં ૧.૬ ટકા વધુ હતી. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા ઇકૉનૉમિકને બૂસ્ટ કરવા થઈ રહેલા સપોર્ટની સીધી અસર બૅન્ક લોન પર જોવા મળી હતી. ચીનનું કાર સેલ્સ ડિસેમ્બરમાં સતત આઠમા મહિને ૧.૬ ટકા ઘટ્યું હતું જે સેમી કન્ડકટરની વધી રહેલી શૉર્ટેજનું પરિણામ હતું. અમેરિકાનો ઇકૉનૉમિક  ઓપ્ટિમિઝમ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ઘટીને ૪૪.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૮.૪ પૉઇન્ટ હતો. જર્મનીનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ઘટીને ૧૬.૧ ટકાએ પહોંચ્યું હતું જે છેલ્લા દસ મહિનામાં પ્રથમ વખત ઘટ્યું હતું, નવેમ્બરમાં ઇન્ફ્લેશન ૧૬.૬ ટકા હતું. યુરો એરિયાનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન નવેમ્બરમાં ૨.૩ ટકા વધ્યું હતું જે સતત ત્રણ મહિના ઘટ્યા બાદ વધ્યું હતું તેમ જ માર્કેટની ૦.૫ ટકા વધારાની ધારણા કરતાં ઘણું વધુ વધ્યું હતું. જપાનની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ નવેમ્બરમાં ઘટીને ૮૯૭.૩ અબજ યેન થઈ હતી જે એક વર્ષ અગાઉ ૧૭૨૩.૨ અબજ યેન હતી. ચીનનું ઇન્ફ્લેશનના વધારાની ધારણા સામે ઘટ્યું હોવાથી તેમ જ જર્મનીનું ઇન્ફ્લેશન પણ ઘટ્યું હોવાથી મૉનિટરી પૉલિસી હજી લાંબા સમય સુધી ઇઝી રહેશે એવી ધારણાએ સોનામાં નવી લેવાલી નીકળતાં ભાવ સુધર્યા હતા. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકન ફેડરલ રિઝર્વ ચૅરમૅન જેરોમ પોવેલે સેનેટ સમક્ષનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે હાઈ ઇન્ફ્લેશનનું પ્રેશર ૨૦૨૨ના મધ્ય સુધી રહેશે અને જો ઇન્ફ્લેશન કાબૂ બહાર જશે તો જ ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય લેશે. ફેડની બૅલૅન્સશીટને સંકોચવાનું ૨૦૨૨ના અંતિમ તબક્કામાં શરૂ થશે. ફેડ ચૅરમૅન જેરોમ પોવેલની ઇન્ટરેસ્ટ રેટ વધારવા બાબતે ઢીલી કમેન્ટથી માર્કેટમાં આશ્ચર્ય ફેલાયું હતું. અમેરિકાનું ઇન્ફ્લેશન મોટે પાયે વધશે એવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે, પણ ચીન અને જર્મનીનું ઇન્ફ્લેશન ઘટીને આવ્યું હોવાથી હવે અમેરિકાના ઇન્ફ્લેશન અંગેની ધારણાઓ ખોટી પડી શકે છે. કોરોનાના વધી રહેલા કેસની કોઈ અસર ફાઇનૅન્શિયલ માર્કેટ પર પડી રહી નથી, પણ અમેરિકા અને યુરોપિયન દેશોમાં સતત વધી રહેલા કેસની અસર આગામી સમયમાં આર્થિક ગતિવિધિ પર પડશે તો એની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળશે. હાલ સમગ્ર માર્કેટનું ધ્યાન અમેરિકન ઇન્ફ્લેશનના ડેટા અને ફેડની પૉલિસી પર હોવાથી સોનાની દિશા ભારોભાર અનિશ્ચિત છે.

business news