મૂડીરોકાણ,માગમાં ઘટાડો:કૃષિ અને માઈનિંગ સિવાય દરેક ક્ષેત્રનો નબળો દેખાવ

30 May, 2020 10:02 AM IST  |  Mumbai Desk | Agencies

મૂડીરોકાણ,માગમાં ઘટાડો:કૃષિ અને માઈનિંગ સિવાય દરેક ક્ષેત્રનો નબળો દેખાવ

પ્રતીકાત્મક તસવીર

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ચોથા ત્રિમાસિક ગાળા કે જાન્યુઆરીથી માર્ચ ક્વૉર્ટરમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર કે જીડીપી વૃદ્ધિ માત્ર ૩.૧ ટકા રહી છે જે ઑક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ૪.૭ ટકા હતી. સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઑફિસના આંકડા અનુસાર વર્તમાન ભાવે જીડીપી વૃદ્ધિ ૩ ટકા રહી છે જે આગલા ક્વૉર્ટરમાં ૪.૫ ટકા હતી. ત્રિમાસિક દૃષ્ટિએ ભારતનો ૩.૧ ટકાનો જાન્યુઆરીથી માર્ચનો જીડીપી વૃદ્ધિ દર છેલ્લાં ૧૧ વર્ષમાં સૌથી ધીમો છે. અગાઉ નાણાકીય વર્ષ ૨૦૦૮-૦૯ના ચોથા ક્વૉર્ટરમાં વૃદ્ધિ દર આટલો નીચો જોવા મળ્યો હતો.
મૂડીરોકાણ, માગ કે કોઈ પણ રીતે જોવા જઈએ તો આર્થિક વિકાસ દર નબળો જોવા મળ્યો છે. એકંદરે વાર્ષિક ધોરણે આ ૨૦૦૮-૦૯ પછીનો સૌથી નીચો વિકાસ દર છે. ત્રિમાસિક કે વાર્ષિક ધોરણે માત્ર કૃષિ અને માઈનિંગ ક્ષેત્રનું પ્રદર્શન ગત વર્ષ કરતાં સારું રહ્યું છે, બાકી તેમાં દરેક ક્ષેત્રમાં અર્થતંત્રનો દેખાવ નબળો રહ્યો છે. કોરોના વાઇરસનો વ્યાપ ઘટાડવા અને દેશને મહામારીથી બચાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૨૫ માર્ચથી દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. આ જાહેરાતના એક સપ્તાહ અગાઉ વિવિધ રાજ્યોએ લોકોની અવરજવર અને બિઝનેસ બંધ રાખવાની જાહેરાત કરી હતી. એટલે જાન્યુઆરીથી માર્ચ ક્વૉર્ટરના આર્થિક વૃદ્ધિ દરના આંકડામાં લૉકડાઉનની અસર તો હજુ હવે પછી ખબર પડશે પણ એ પહેલાં જ દેશના આર્થિક વિકાસ દરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
૨૦૧૯-૨૦નો વૃદ્ધિ દર માત્ર ૪.૨ ટકા
ત્રિમાસિકની જગ્યાએ સમગ્ર વર્ષનો આર્થિક વૃદ્ધિ દર ગ્લોબલ ફાઇનૅન્શિયલ ક્રાઇસીસ એટલે કે ૨૦૦૮-૦૯ પછી સૌથી નીચો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નો આર્થિક વૃદ્ધિ દર માત્ર ૪.૨ ટકા રહ્યો છે જે આગલા વર્ષે ૬.૧ ટકા હતો. ગ્રોસ વેલ્યુ એડેડ એટલે કે મૂલ્યવૃદ્ધિની દૃષ્ટિએ નાણાકીય વર્ષનો વૃદ્ધિ દર ૩.૯ ટકા રહ્યો છે જે આગલા વર્ષે ૬ ટકા હતો. વર્તમાન ભાવે આર્થિક વૃદ્ધિ દર ૨૦૧૮-૧૯’માં ૧૧ ટકા હતો જે ઘટીને ૨૦૧૯-૨૦માં માત્ર ૭.૨ ટકા રહ્યો છે. માથાદીઠ આવક ૩.૧ ટકા વધી ૨૦૧૯-૨૦માં ૯૪,૯૫૪ રૂપિયા રહી છે.
મંદ ગ્રાહક માગ, ઘટેલું મૂડીરોકાણ અને સરકારી ખર્ચનો બોજ
દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વનો હિસ્સો ધરાવતા પ્રાઇવેટ ફાઇનલ કન્ઝ્મ્પશન એટલે કે ગ્રાહકોની માગ ચોથા ક્વૉર્ટરમાં ૨.૭ ટકા વધી હતી જે ત્રીજા ક્વૉર્ટરમાં ૬.૬ ટકાની વૃદ્ધિ સામે નબળી જણાય છે. સમગ્ર વર્ષ માટે માગ ૫.૩ ટકા વધી હતી જે આગલા વર્ષના ૭.૧૫ના વધારા સામે ઘટેલી જણાય છે.
દેશમાં મૂડીરોકાણ સતત ઘટી રહ્યું છે અને તે દાયકામાં સૌથી નીચા સ્તર ઉપર છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ચોથા ક્વૉર્ટરમાં મૂડીરોકાણ એટલે કે ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશન ૬.૫ ટકા ઘટ્યું છે (નેગેટિવ છે) જે આગલા ક્વૉર્ટરમાં ૫.૨ ટકા નેગેટિવ હતું. એટલે કે મૂડીરોકાણ ઘટવાની ગતિ તેજ થઈ છે. સમગ્ર વર્ષ માટે તે ૨૦૧૮-૧૯ના ૯.૮ ટકાના વિકાસ સામે ૨૦૧૯-૨૦માં ૨.૮ ટકા નેગેટિવ રહ્યું છે.
સરકારી ખર્ચ કે સરકારી માગનું પ્રમાણ અર્થતંત્રને ટકાવી રાખવામાં સફળ રહ્યું છ. ત્રીજા ક્વૉર્ટરમાં ૧૩.૪ ટકા અને ચોથા ક્વૉર્ટરમાં તે ૧૩.૬ ટકા વધ્યું હતું. સમગ્ર વર્ષ માટે ૨૦૧૮-૧૯ના ૧૦.૧ ટકા વૃદ્ધિ દર સામે ૨૦૧૯-૨૦માં તેમાં ૧૧.૭૫ ટકાનો વધારો જોવા મળે છે.

business news