સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં ધોવાણ થયું: હવે ફેરવિચારણા કરાશે

06 February, 2020 11:03 AM IST  |  Mumbai Desk

સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં ધોવાણ થયું: હવે ફેરવિચારણા કરાશે

મૂડીબજારના નિયમનકાર સેબીએ ૨૦૧૭માં મ્યુચ્યુઅલ ફંડની સ્કીમના રોકાણ માટે લાદવામાં આવેલા નિયમના કારણે ભારતીય શૅરબજાર વિક્રમી સ્તરે હોવા છતાં તેનો લાભ બધા રોકાણકારોને મળી રહ્યો નથી. ફન્ડ હાઉસ પોતાની સ્કીમ અનુસાર કઈ લાર્જ કૅપ, મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં રોકાણ કરી શકશે એના નિયમો ૨૦૧૭માં બદલી નાખવામાં આવ્યા હતા. હવે બે વર્ષે રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફન્ડસની હાલત કફોડી થયા પછી તેના નિયમો અંગે ફેરવિચારણા કરવા માટે સેબી તૈયાર થઈ છે. 

નવા નિયમો અમલી બન્યા એ અગાઉ દરેક ફન્ડ પોતાના માપદંડ અનુસાર લાર્જ કૅપ, મિડ કૅપ અને સ્મૉલ કૅપ કંપનીઓની યાદી બનાવી તેના શૅરમાં ખરીદી કે વેચાણ કરતી હતી. શૅરબજારમાં લિસ્ટેડ આ કંપનીઓનું બજાર મૂલ્ય (માર્કેટ કેપિટલાઈઝેશન) ગણતરી કરી તેના શૅરમાં રોકાણ કરતી હતી. સેબીએ નવા નિયમો બનાવી તેને એકસમાન કરી દીધું હતું. આથી બજારમૂલ્ય અનુસાર ટોચની ૧૦૦ કંપનીઓને લાર્જ કૅપ, એના પછી ૧૦૧થી ૨૫૦ આવતી કંપનીઓને મિડ કૅપ અને તેના પછીની બધી કંપનીઓને સ્મૉલ કૅપ ગણવામાં આવતી હતી. દર છ મહિને, શૅરબજારમાં એવરેજ માર્કેટ કૅપની ગણતરી કરી અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ ઇન ઇન્ડિયા (આમ્ફી) આવી યાદી બહાર પાડતી હતી અને ફન્ડસ હાઉસ તેમાં રોકાણ કરતા હતા.

નવા નિયમોમાં સેબીએ કેટલું રોકાણ આ સ્કીમમાં કરવું તેના ધોરણ પણ બહાર પાડ્યા હતા. લાર્જ કૅપ ફન્ડસની સ્કીમમાં કંપનીએ પોતાનો ૮૦ ટકા પોર્ટફોલિયો રોકવાનો હતો. મિડ કૅપ અને સ્મૉલ કૅપ ફન્ડસમાં ૬૫ ટકા પોર્ટફોલિયો આવી કંપનીઓમાં રોકવાનો નિયમ છે.

આ નિયમોના કારણે ફન્ડસ હાઉસના મૅનેજરની પોતાની આવડત અને અનુભવ નહીં પણ નિયમ અનુસાર રોકાણ થતું હોવાથી સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી. આના કારણે સ્કીમના પરફોર્મન્સ ઉપર અસર પડતી હતી અને દર છ મહિને તે નવી યાદી બહાર પડતી હોવાથી લીસ્ટ અનુસાર પોર્ટફોલિયોમાં ફેરફાર પણ કરવા પડતા હતા. જોકે હવે સેબી અંગે ફેરવિચારણા કરવા તૈયાર થઈ છે જેથી વધારે વ્યાપક બાસ્કેટની કંપનીઓમાં રોકાણ કરવાનો વિકલ્પ મ્યુચ્યુઅલ ફન્ડને મળી શકે એમ સેબીના અધ્યક્ષ અજય ત્યાગીએ જણાવ્યું હતું.

એક ચોક્કસ યાદી અનુસાર કંપનીઓમાં ખરીદી કે વેચાણ થાય ત્યારે બહુ વધુ ફન્ડ, એકસાથે બહુ ઓછી કંપનીઓમાં રોકાણ કરે તો તેનાથી માગ અને પુરવઠાના નિયમ અનુસાર જ ભાવ વધી જાય અને એનાથી ઊલટું વેચાણ કરવામાં આવે તો તેના ભાવ ઘટી જાય. આ તર્કની અસરથી ચોક્કસ લાર્જ કૅપ કંપનીઓના શૅર સતત વધી રહ્યા છે જ્યારે મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં ઘટાડો કે સ્થિરતા જોવા મળી રહી છે.

મિડ કૅપ અને સ્મૉલ કૅપનું ધોવાણ
બજારમાં આની વિપરીત અસર પણ જોવા મળી હતી. લાર્જ કૅપ કંપનીઓનું બજારમૂલ્ય સતત વધતું રહ્યું છે અને મિડ કૅપ અને સ્મૉલ કૅપની કામગીરી નબળી રહી છે, રોકાણકારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આમ્ફીની યાદી અનુસાર ડિસેમ્બર ૨૦૧૭ની સામે ડિસેમ્બર ૨૦૧૯ના બે વર્ષમાં લાર્જ કૅપ કંપનીઓનું કુલ માર્કેટ કૅપ ૧૩.૨ ટકા કે ૧૨,૬૮,૦૧૬ વધી ૧૦૮,૫૪,૭૭૨ કરોડ રૂપિયા થયું છે. સામે મિડ કૅપ કંપનીઓનું મૂલ્ય ૨.૨ ટકા કે ૫૧,૫૪૪ કરોડ ઘટી ૨૨,૪૪,૫૫૦ કરોડ રૂપિયા થયું છે. સ્મૉલ કૅપ કંપનીઓમાં સૌથી વધુ નુકસાન છે. આ કંપનીઓમાં મિડ કૅપ ૨૫.૮ ટકા કે ૫,૬૪,૯૩૩ કરોડ ઘટી ૧૬,૨૮,૦૪૮ કરોડ રૂપિયા થઈ ગયું છે.

શૅરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા છે, પણ મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સમાં હજુ રોકાણકારોની સંપત્તિનું ધોવાણ ચાલુ છે. બીએસઈ મિડ કૅપ ઇન્ડેક્સ તા. ૯ જાન્યુઆરી ૨૦૧૮માં (બે વર્ષ પહેલાં) પોતાની સૌથી ઊંચી સપાટી ૧૮,૩૨૧ ઉપર હતો જે આજે ૧૫,૭૦૮ ઉપર છે. સૌથી ઊંચી સપાટી સામે મિડ કૅપ ઇન્ડેક્સ ૧૪.૨ ટકા ઘટેલો છે.
બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સની સૌથી ઊંચી સપાટી ૨૦,૧૮૩ હતી જે તા. ૧૫ જાન્યુઆરી ૨૦૧૮ (બે વર્ષ પહેલાં) જોવા મળી હતી. આજે આ ઇન્ડેક્સ ૧૪,૬૫૩ની સપાટીએ બંધ આવ્યો છે. આ દરમ્યાન એક તબક્કે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૧,૯૫૦ની નીચી સપાટી તા. ૨૩ ઑગસ્ટ ૨૦૧૯ના પહોંચેલો હતો. આમ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ સૌથી ઊંચી સપાટી કરતાં ૨૭ ટકા ઘટેલો છે.

business news