મહિલા હૉકી ટીમ ૪૧ વર્ષ બાદ ક્વૉર્ટર ફાઇનલમાં

01 August, 2021 04:29 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

પ્રથમ ત્રણેય મૅચ હાર્યા બાદ ભારતીય મહિલા હૉકી ટીમે શાનદાર કમબૅક કરતાં ગઈ કાલે સાઉથ આફ્રિકાને ૪-૩થી હરાવીને સતત બીજો વિજય નોંધાવ્યો હતો.

ગઈ કાલે ગૉલ કર્યા બાદ ર્સ્વગવાસી પપ્પાને યાદ કરી રહેલી વંદના

ટીમે છેલ્લી ગ્રુપ મૅચમાં વંદના કટારિયાના ગૉલની હૅટ-ટ્રિકની કમાલ વડે સાઉથ આફ્રિકાને ૪-૩થી હરાવી, બ્રિટને આયરલૅન્ડને ૨-૦થી હરાવતાં પ્રથમ ત્રણેય મૅચ હાર્યા છતાં નૉક-આઉટમાં નંબર લાગી ગયો, હવે કાલે ઑસ્ટ્રેલિયા સામે ટક્કર

પ્રથમ ત્રણેય મૅચ હાર્યા બાદ ભારતીય મહિલા હૉકી ટીમે શાનદાર કમબૅક કરતાં ગઈ કાલે સાઉથ આફ્રિકાને ૪-૩થી હરાવીને સતત બીજો વિજય નોંધાવ્યો હતો. ભારતના ગ્રુપની છેલ્લી મૅચમાં બ્રિટને આયરલૅન્ડને ૨-૦થી પછાડતાં ભારતીય ટીમ ગ્રુપમાં ચોથા નંબરે રહી હતી અને એણે ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ભારતીય મહિલા ટીમે ઑલિમ્પિકમાં ૪૧ વર્ષ બાદ ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશીને કમાલ કરી છે.

ઑલિમ્પિક્માં હૅટ-ટ્રિક, વંદના પ્રથમ

ભારતની આ શાનદાર જીતની સ્ટાર હતી વંદના કટારિયા. ચારમાંથી ત્રણ ગોલ (ચોથી, ૧૭મી અને ૪૯મી મિનિટે) વંદનાએ કર્યા હતા અને આ સાથે તે ઑલિમ્પિક મહિલા હૉકી ગોલની હૅટ-ટ્રિકની કમાલ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. ભારત વતી ચોથો ગોલ ૩૨મી મિનિટે યંગ નેહા ગોયલે કર્યો હતો.

ત્રીજા ક્વૉટરના અંતે બન્ને ટીમ ૩-૩થી બરોબરીમાં હતાં પણ ચોથા ક્વૉર્ટરની ૪૯મી મિનિટે વંદના ફરી ટીમની વહારે આવી હતી અને તેનો ત્રીજો અને ભારતનો ચોથો વિનિંગ ગોલ કરીને ભારતની જીત પાક્કી કરી નાખી હતી.

પાંચ મૅચમાંથી બે જીત સાથે કુલ ૬ પૉઇન્ટ સાથે પુલ-‘એ’માં ભારત ચોથા નંબરે પહોંચી ગયું હતું. 

આયરલૅન્ડ હારતાં ભારત ક્વૉર્ટરમાં

ભારતે જીત્યા છતાં ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશવા માટે આયરલૅન્ડ અને બ્રિટનના મુકાબલા સુધી રાહ જોવી પડી હતી. જો આયરલૅન્ડ જીતી જાત તો પુલ-‘એ’માં ભારતને હટાવીને ચોથા નંબરે પહોંચીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લેત, પણ બ્રિટને આયરલૅન્ડને ૨-૦થી હરાવીને ભારતને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચાડી દીધું હતું.

37 - આટલાં વર્ષો બાદ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીએ હૉકીમાં ગોલની હૅટ-ટ્રિક કરી છે. આ પહેલાં ૧૯૮૪માં પુરુષ ટીમના ખેલાડી વિનીત શર્માએ આવી કમાલ કરી હતી અને ભારતનો મલેશિયામાં સામે ૩-૧થી વિજય થયો હતો.

ખો-ખો છોડીને હૉકી પ્લેયર બની હતી વંદના 

ગઈ કાલની ભારતની જીતની સ્ટાર અને ગોલની હૅટ-ટ્રિક સાથે ઇતિહાસ રચનાર ૨૯ વર્ષની વંદના કટારિયા અગાઉ ખો ખોની ખેલાડી હતી. ૨૦૦૨માં તે ખો-ખોની નૅશનલ ટુર્નામેન્ટ રમી હતી અને તેણે શાનદાર પર્ફોર્મ કર્યું હતું. જોકે કોચ કૃષ્ણ કુમારે ત્યારે ૧૧ વર્ષની વંદનાની રનિંગ સ્પીડ જોઈને તેને હૉકી ટીમમાં સિલેક્ટ કરી હતી. જોકે તેના ગરીબ પરિવાર પાસે તેની ટ્રેઇનિંગ માટેના પૈસા નહોતા, પણ તેના પિતાએ પુત્રીના સપનાને સાકાર કરવા માટે લોકો પાસેથી ઉધાર લઈને બધી વ્યવસ્થા કરી આપી હતી. તેનો પરિવાર તે છોકરી હોવાથી ખેલાડી તરીકે બહાર નહોતો મોકલવા માગતો પણ તેના પિતાએ હંમેશાં તેને સાથ આપ્યો હતો. જોકે ટોક્યો ઑલિમ્પિકના ત્રણ મહિના પહેલાં જ તેના પિતાનું અવસાન થયું હતું.

Sports news indian womens hockey team hockey