વર્લ્ડ ચેસ ચૅમ્પિયન દિવ્યા દેશમુખને મહારાષ્ટ્ર સરકારે આપ્યા ૩ કરોડ રૂપિયા

04 August, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારે દેશનાં બાળકોને પ્રેરણા આપવા માટે દિવ્યા દેશમુખનો જાહેર સન્માન સમારોહ યોજ્યો. મહારાષ્ટ્ર સરકારે હંમેશાં રમતગમતને પ્રાથમિકતા આપી છે.

નાગપુરમાં ગઈ કાલે એક સ્પેશ્યલ કાર્યક્રમ યોજીને વિમેન્સ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન દિવ્યા દેશમુખનું સન્માન કરવામાં આવ્યું હતું

નાગપુરમાં ગઈ કાલે એક સ્પેશ્યલ કાર્યક્રમ યોજીને વિમેન્સ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન દિવ્યા દેશમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અને રમતગમત પ્રધાન માણિકરાવ કોકાટેની હાજરીમાં તેને સ્મૃતિભેટ અને ત્રણ કરોડ રૂપિયાના કૅશ પ્રાઇઝનો ચેક આપીને સન્માનિત કરવામાં આવી હતી.

૧૯ વર્ષની દિવ્યાએ સન્માન અને સમર્થન બદલ મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર ચેસ અસોસિએશનનો આભાર માન્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘એક ભારતીય, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાગપુરના રહેવાસી તરીકે મને ગર્વ છે કે એક સ્થાનિક છોકરીએ વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. સરકારે દેશનાં બાળકોને પ્રેરણા આપવા માટે દિવ્યા દેશમુખનો જાહેર સન્માન સમારોહ યોજ્યો. મહારાષ્ટ્ર સરકારે હંમેશાં રમતગમતને પ્રાથમિકતા આપી છે.’

CJI ભૂષણ ગવઈએ દિવ્યા દેશમુખના ઘરે જઈને કૌટુંબિક સંબંધોને યાદ કર્યા

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) ભૂષણ ગવઈએ ગઈ કાલે નાગપુરમાં દિવ્યા દેશમુખના ઘરે મુલાકાત લીધી હતી. દિવ્યાને વર્લ્ડ કપ ચૅમ્પિયન અને ગ્રૅન્ડમાસ્ટર બનવા માટે શુભેચ્છા આપી તેમણે કૌટુંબિક સંબંધોને યાદ કર્યા હતા. મુખ્ય ન્યાયાધીશ અમરાવતીના છે અને દિવ્યાના દાદા દિવંગત ડૉ. કે. જી. દેશમુખ એક સમયે સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. ભૂષણ ગવઈના પપ્પા અને કે. જી. દેશમુખ ખૂબ જ નજીકના મિત્રો હતા.

CJI ભૂષણ ગવઈએ કહ્યું કે ‘અમે એક પરિવારની જેમ મોટા થયા છીએ. અહીં આવવું મારા માટે જૂની યાદો તાજી કરવા જેવું હતું. હું ૫૦-૫૫ વર્ષ પાછળ ગયો અને બધી જૂની યાદો ફરીથી તાજી કરી. ઘણા સમય પછી બધાને મળવાની મારા માટે આ એક શ્રેષ્ઠ તક હતી. હું દિવ્યાને મારી શુભકામનાઓ આપવા માટે અહીં આવ્યો છું. તેણે આપણા બધાને ખૂબ ગર્વ અપાવ્યો છે.’

chess world chess championship nagpur devendra fadnavis sports news sports maharashtra maharashtra news