05 September, 2025 01:09 PM IST | China | Gujarati Mid-day Correspondent
સપોર્ટ સ્ટાફ સાથે ભારતીય વિમેન્સ હૉકી ટીમનો ફાઇલ-ફોટો
આજથી ચીનમાં વિમેન્સ હૉકી એશિયા કપ 2025નો રોમાંચ શરૂ થશે. ભારત સહિત આઠ દેશની વિમેન્સ હૉકી ટીમ ૨૦૨૬ના વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરતી જોવા મળશે. ૧૯૮૫થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં સાઉથ કોરિયા (૩ વખત) અને જપાન (૩ વખત) વચ્ચે સૌથી વધુ ટાઇટલ જીતવાની રસાકસી જોવા મળશે. ભારતીય ટીમ (બે વખત) સલીમા ટેટેના નેતૃત્વમાં આ બન્ને ટીમની જેમ રેકૉર્ડ ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.
યજમાન ચીન, ચાઇનીઝ તાઇપેઈ, સાઉથ કોરિયા, મલેશિયાની ટીમ ગ્રુપ-Aનો ભાગ છે; જ્યારે ભારત, જપાન, થાઇલૅન્ડ અને સિંગાપોર ગ્રુપ-Bનો ભાગ છે. દરેક ટીમ એના ગ્રુપની અન્ય ત્રણ ટીમો સાથે એક વખત રમશે જેમાં ટોચની બે ટીમો સુપર-ફોર રાઉન્ડ માટે ક્વૉલિફાય થશે. સુપર-ફોરમાં પણ દરેક ટીમ ત્રણ મૅચ રમશે અને ટૉપ-ટૂ ટીમ ૧૪ સપ્ટેમ્બરે ફાઇનલમાં ટકરાશે.