13 July, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મમ્મી ઇવાના નોસ્કોવાને યાદ કરતી ચૅમ્પિયન લિન્ડા
૨૧ વર્ષની લિન્ડા નોસ્કોવાએ પોતાના જ દેશની ૨૯ વર્ષની કૅરોલિના મુચોવાને હરાવીને વિમ્બલ્ડન વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું. નવમા ક્રમાંકની લિન્ડા નોસ્કોવાએ ૬-૨, ૫-૭, ૬-૩ની સ્કોરલાઇન સાથે બાજી મારી હતી. ૪ વર્ષમાં ત્રીજી વખત ચેક રિપબ્લિકની ખેલાડી આ ટાઇટલ જીતી છે.
પહેલી વખત બે ચેક રિપબ્લિકની ખેલાડીઓ વચ્ચે વિમ્બલ્ડન વિમેન્સ સિંગલ્સની ફાઇનલ મૅચ રમાઈ રહી હતી. ૨૧ વર્ષની લિન્ડા પહેલી વખત જ કોઈ ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ રમી રહી હતી અને પહેલા પ્રયાસમાં જ તે પહેલું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી છે. તેની હરીફ અને દસમો રૅન્ક ધરાવતી કૅરોલિના મુચોવા અગાઉ ૨૦૨૩માં ફ્રેન્ચ ઓપનમાં ફાઇનલ મૅચ હારી ચૂકી હતી.
લિન્ડા નોસ્કોવાએ પોતાનું પહેલું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ પોતાની દિવંગત મમ્મી ઇવાના નોસ્કોવાને સમર્પિત કર્યું હતું. ૭ વર્ષની ઉંમરથી લિન્ડાની મમ્મી તેને ટેનિસની ટ્રેઇનિંગ આપવા સાથે કોર્ટ પર જતી હતી. ઇવાના નોસ્કોવાની ફેવરિટ ટુર્નામેન્ટ વિમ્બલ્ડન હતી. જોકે ૨૦૨૪માં જ્યારે લિન્ડા વિમ્બલ્ડનમાં ડેબ્યુ કરવાની હતી એના પહેલાં જ કૅન્સરને કારણે ઇવાનાએ જીવ ગુમાવ્યો હતો.