જોરુ કા ગુલામ ટ્વીટ વિશે સાનિયા મિર્ઝાએ કહ્યું...

09 May, 2020 02:29 PM IST  |  Mumbai Desk | Agencies

જોરુ કા ગુલામ ટ્વીટ વિશે સાનિયા મિર્ઝાએ કહ્યું...

સાનિયા મિર્ઝા (ફાઇલ ફોટો)

ક્રિકેટ ફીલ્ડ પર મોટા ભાગે જ્યારે પ્લેયર ઓછા રને આઉટ થાય અને એ મૅચ જોવા જે-તે પ્લેયરની ગર્લફ્રેન્ડ કે પત્ની બેઠી હોય તો સમજો એ કપલનું આવી જ બન્યું. બન્નેને લઈને સોશ્યલ મીડિયામાં વિવિધ ટિપ્પણી અને જોક્સ શરૂ થઈ જાય. આ બધાથી ઊલટું, ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પ્લેયર મિચેલ સ્ટાર્ક પોતાની પત્ની અને મહિલા ક્રિકેટર અલ્યસા હેલીની ટી૨૦ વર્લ્ડ કપમાં મેલબર્નમાં રમાયેલી મૅચ જોવાની તક ચૂકી ગયો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને સાનિયા મિર્ઝાએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘સાચે, ભગવાન માફ કરે આ એક એવા દેશનો માણસ છે જ્યાં તેને એક સેકન્ડમાં ‘જોરુ કા ગુલામ’ કહી દેવામાં આવે છે. મિચેલ તને કેવું લાગે છે?’

સાનિયા મિર્ઝાએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે અને અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યાં છે અને આ બન્ને હસ્તીઓને આવા પ્રકારનો અનુભવ થયો છે જ્યાં તેમની હાજરીને કારણે તેમના પતિ સારી ગેમ ન રમી શક્યા હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો હોય.

આ વિશે વધુ એક ટ્વીટ કરતાં સાનિયાએ કહ્યું કે ‘આ ઘણું ફની છે, કેમ કે હું અને અનુષ્કા આનાથી વધારે ટેવાયેલાં છીએ. અમારા માટે જ્યારે અમારા પતિ સારું રમે ત્યારે એ તેમની મહેનત છે અને ખરાબ રમે તો એ અમારે લીધે કહેવામાં આવે છે. મને ખબર નથી પડતી લોકો આવું કેમ કહે છે? આપણે આને મજાક કહીએ છીએ, પણ આ એક ગંભીર મુદ્દો છે કે મહિલાઓને હંમેશાં ધ્યાન હટાવનારી કેમ કહેવામાં આવે છ, કોઈની તાકાત કેમ કહેવામાં નથી આવતી? આ જ આપણું કલ્ચર છે અને આપણે એને સહન કરવાનું છે. સ્ટાર્ક તેની પત્નીની મૅચ જોવા ન જઈ શક્યો એટલે બધા તેની ફજેતી કરે છે. હું પણ ઇચ્છું છું કે શોએબ મારી મૅચ જોવા આવે. મને એ ગમશે. લોકો પછીથી કહેવા માંડે છે કે આ જોરુનો ગુલામ છે, લેડીઝ ક્રિકેટ જોશે. મને એ વાત ઘણી લાગી આવે છે. ક્યારેક મજાકમાં પણ લોકોના મનની સાચી વાત બહાર આવી જાય છે.’

sania mirza sports sports news