સેમી ફાઇનલમાં ટાઇમરની ગરબડ બદલ હૉકી ફેડરેશને ભારતની માફી માગી

07 August, 2022 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયા સામેના શૂટઆઉટમાં ભારતીય મહિલા ટીમ ૩-૦થી હારી ગઈ હતી, પણ ચીફ કોચે કહ્યું કે અમ્પાયરે ભૂલ ન કરી હોત તો પરિસ્થિતિ અલગ હોત

સેમી ફાઇનલમાં ટાઇમરની ગરબડ બદલ હૉકી ફેડરેશને ભારતની માફી માગી

બર્મિંગહૅમમાં રમાતી કૉમનવેલ્થની હૉકીની ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલાઓની સેમી ફાઇનલ મૅચ દરમ્યાન ટાઇમરને કારણે થયેલી ગરબડ બદલ ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશને (એફઆઇએચ) માફી માગી લીધી હતી, જેમાં શૂટઆઉટ દરમ્યાન ઑસ્ટ્રેલિયાની ખેલાડી ઍમ્બ્રોસિયા મૅલોને ફટકારેલા શૉટને ભારતીય ગોલકીપર સવિતાએ રોક્યો હતો, પરંતુ ટાઇમર શરૂ થયું ન હોવાનું જણાવીને અમ્પાયરે ફરીથી શૉટ ફટકારવા કહ્યુ જેમાં ઍમ્બ્રોસિયાએ ગોલ કર્યો હતો. ઑસ્ટ્રેલિયાએ પૅનલ્ટી શૂટઆઉટ ૩-૦થી જીતી લીધું હતું. 
સેમી ફાઇનલ મૅચમાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા કરતાં મોટા ભાગનો સમય ૦-૧થી પાછળ હતી, પરંતુ ચોથા ક્વૉર્ટરમાં ગોલ કરીને મૅચને બરોબરી પર લાવી દીધી હતી. એફઆઇએચે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની સેમી ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટ ભૂલથી વહેલું શરૂ થયું જે બદલ અમે માફી માગીએ છીએ. આવી પરિસ્થિતિમાં પૅનલ્ટી શૂટઆઉટ ફરી શરૂ કરવું પડે છે. ભવિષ્યમાં આવી સમસ્યા ન થાય એ માટે આ ઘટનાની સમીક્ષા કરીશું.’ અમ્પાયરના આ નિર્ણયની ભારતમાં ભારે ટીકા થઈ હતી. ટીમના કોચ જેન્નેક શૉપમૅન અને ગોલકીપર-કૅપ્ટન સવિતા પુનિયાએ અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. કોચે કહ્યું કે ‘જેઓ આ રમતને સમજી શકતા નથી તેઓ આ નિર્ણય લે છે. હાર બદલ હું કોઈ બચાવ નથી કરી રહ્યો, પરંતુ તમે ગોલને બચાવો છો ત્યારે ટીમનો આત્મવિશ્વાસ વધી જાય છે.’

 

શુક્રવારે ઑસ્ટ્રેલિયા સામે પરાજય થયા બાદ હતાશ થયેલી ભારતીય હૉકી ટીમની મહિલા ખેલાડીઓ. 

sports news hockey