કૅપ્ટન તરીકે સ્મિથ અથવા કમિન્સની પસંદગી ટીમ માટે સારી રહેશે : લાયન

26 November, 2021 02:06 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની પૅનલે આ બન્ને ખેલાડીઓના ઇન્ટરવ્યુ લીધા

નૅથન લાયન

ઑસ્ટ્રેલિયાના સ્પિનર નૅથન લાયનના મતે ટિમ પેઇને કૅપ્ટનપદેથી આપેલા રાજીનામા બાદ ઑસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ કરવા માટે સ્ટીવન સ્મિથ અથવા ફાસ્ટ બોલર પૅટ કમિન્સ યોગ્ય ઉમેદવાર છે. ઑસ્ટ્રેલિયાની પુરુષોની ટીમના કૅપ્ટન તરીકેની નિમણૂક માટે આ સપ્તાહે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની પૅનલ દ્વારા કમિન્સ અને સ્મિથના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં લાયને કહ્યું કે ‘નવી ભૂમિકા માટે આ બન્ને ખેલાડીઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે. ગયા વર્ષે વન-ડેમાં ન્યુ સાઉથ વેલ્સ તરફથી તેના નેતૃત્વ હેઠળ રમ્યો હતો. પ્રામાણિકપણે કહું કે સ્મિથે સારું કામ કર્યું હતું. તે થોડો અલગ છે, પરંતુ જો પૅટને આ તક મળે તો ઘણા સિનિયર ખેલાડીઓ તેને સહકાર આપવા તૈયાર છે.’
ટીમનો સૌથી સિનિયર ખેલાડી હોવા છતાં લાયન પોતે કૅપ્ટન બનવાની કોઈ મહત્ત્વાકાંક્ષા ધરાવતો નથી, જેમાં તેને ભારતના અને ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમ્યાન સારું પ્રદર્શન કરવાની ઇચ્છા છે. લાયને કહ્યું કે ‘કમિન્સ અને સ્મિથ કે પછી અન્ય કોઈ આ જવાબદારી સ્વીકારે એ માટે હું તૈયાર છું, પણ કૅપ્ટન બનવાની મારી કોઈ ઇચ્છા નથી. વળી સ્મિથની ક્ષમતા માટે મને કોઈ સવાલ નથી.’  
આ વર્ષે માર્ચ મહિનામાં સ્મિથે ઑસ્ટ્રેલિયાની ટીમના કૅપ્ટન બનવાની ઇચ્છા ફરી વ્યક્ત કરી હતી. સાઉથ આફ્રિકા સામેની કેપ ટાઉન ટેસ્ટમાં બૉલ સાથે ચેડાં કરવાના પ્રકરણ બાદ તેને કૅપ્ટનપદેથી હટાવાયો હતો અને તેના પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો સમયગાળો પણ ગયા વર્ષે પૂરો થયો હતો. જોકે એમ છતાં ટિમ પેઇનને જ ટેસ્ટ ટીમના કૅપ્ટન તરીકે યથાવત્ રાખવામાં આવ્યો હતો. 

sports news cricket news