ઘૂંટણના દુખાવાને લીધે ફ્રેન્ચ ઓપનમાંથી રૉજર ફેડરર બહાર

07 June, 2021 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦ વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર ખેલાડીએ કહ્યું, ‘વિમ્બલ્ડન મારી પ્રાથમિકતા’

ગઈ કાલે મૅચ જીત્યા બાદ રૉજર ફેડરર. પી.ટી.આઇ.

ત્રીજા રાઉન્ડમાં વિજય મેળવ્યાના ૧૨ કલાકની અંદર જ રૉજર ફેડરરે ફ્રેન્ચ ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ગઈ કાલે જ એની ઘોષણા કરવામાં આવી હતી. ફેડરરે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે મારા જમણા પગના ઘૂંટણમાં બે વખત ઑપરેશન કરવામાં આવ્યાં છે એથી મારે મારા શરીરની કાળજી લેવી જરૂરી છે. કરીઅરનું ૨૧મું ગ્રૅન્ડ સ્લૅમ જીતવાનો પ્રયાસ કરી રહેલા રૉજર ફેડરરને ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં જીત માટે ચાર સેટ સુધી ઝઝૂમવું પડ્યું હતું. ગઈ કાલે ફેડરરે ડૉમિનિક કોએફરને   ૭-૬, ૬-૭, ૭-૬ અને ૭-૫થી હરાવ્યો હતો. આ મૅચ ત્રણ કલાક અને ૩૫ મિનિટ સુધી ચાલી હતી. મૅચ જીત્યા બાદ ફેડરરે કહ્યું હતું કે મને નથી ખબર કે હું મૅચ રમીશ કે નહીં. મારો નિર્ણય કરવાનો છે કે આગળ રમવું છે કે નહી. ઘૂંટણને વધુ પડતું દબાણ આપવાથી સમસ્યા થઈ શકે છે. શું આ આરામ કરવાનો સારો સમય નથી?  ફેડરરે આજે ચોથા રાઉન્ડમાં મેટો બેરેટિની સામે રમવાનો હતો. 

ફેડરર ૨૦ વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂક્યો છે. ૨૦૨૦માં તેણે બે વખત ઘૂંટણની સર્જરી કરાવી હતી. ફેડરરે કહ્યું હતું કે આ વર્ષે વિમ્બલ્ડન મારી પ્રાથમિકતા છે. ફેડરર ૬૮મી વખત કોઈ ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પહોંચ્યો છે. ત્યાર બાદ જૉકોવિચ (૫૪) અને નડાલ (૫૦)નો નંબર આવે છે. આ તમામની ટક્કર આજે ઇટલીના ખેલાડી સામે થવાની છે. 

roger federer tennis news sports news