આસાન જીત સાથે નડાલ ક્વૉર્ટર ફાઇનલમાં

09 June, 2021 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેન્સ સિંગલ્સમાં સોમવારે રાતે ત્રીજા ક્રમાંકિત અને હૉટ ફેવરિટ રાફેલ નડાલે જૅન્નિક સિન્નરને સીધા સેટમાં ૭-૫, ૬-૩, ૬-૦થી પરાજિત કરીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

રાફેલ નડાલ

મેન્સ સિંગલ્સમાં સોમવારે રાતે ત્રીજા ક્રમાંકિત અને હૉટ ફેવરિટ રાફેલ નડાલે જૅન્નિક સિન્નરને સીધા સેટમાં ૭-૫, ૬-૩, ૬-૦થી પરાજિત કરીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. નડાલ પહેલા સેટમાં ૨-૫થી પાછળ પડી ગયો હતો, પણ ત્યાર બાદ કમબૅક કરીને સતત પાંચ ગેમ જીતીને પહેલો સેટ જીતી લીધો હતો. બીજો અને ત્રીજો સેટ આસાનીથી જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

ચાર ટુર્નામેન્ટમાં ૧૫ ક્વૉર્ટર ફાઇનલ
સોમવારે નડાલે ફ્રેન્ચ ઓપનમાં ચાર જુદી-જુદી ટુર્નામેન્ટ (મોન્ટે કાર્લો મૅડ્રિડ રોમ અને ફ્રેન્ચ ઓપન)માં ૧૫ ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો હતો. આ પહેલાં આ કમાલ રૉજર ફેડરર, નોવાક જૉકોવિચ અને જિમ્મી કૉનર્સ કરી ચૂક્યા છે.

૮૫મા ક્રમાંકિત ઝિદાન્સેકે ઇતિહાસ રચ્યો
મહિલા સિંગલ્સની સ્લોવેનિયાની અને ૮૫મા ક્રમાંકિત તમારા ઝિદાન્સેકે ઇતિહાસ રચી દીધો હતો. ઝિદાન્સેકે ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં સ્પેનની પાઉલા બડોસાને ત્રણ સેટમાં સંઘર્ષમય મુકાબલામાં ૭-૫, ૪-૬, ૮-૬થી પરાજિત કરીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ સાથે તે ગ્રૅન્ડ સ્લૅમમાં સેમી ફાઇનલમાં પ્રવેશ કરનાર સ્લોવેનિયાની પહેલી મહિલા ખેલાડી બની હતી. ઝિદાન્સેક આ પહેલાં કોઈ મોટી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડથી આગળ નહોતી વધી શકી. 

rafael nadal tennis news