વધુ ૨૪ અઠવાડિયાં નંબર-વન રહીને જૉકોવિચ તોડશે ફેડરરનો રેકૉર્ડ

23 September, 2020 11:42 AM IST  |  Mumbai | IANS

વધુ ૨૪ અઠવાડિયાં નંબર-વન રહીને જૉકોવિચ તોડશે ફેડરરનો રેકૉર્ડ

નોવાક જૉકોવિચ

સર્બિયાના નોવાક જૉકોવિચે ટેનિસ વર્લ્ડ રૅન્કિંગ્સમાં નંબર-વન તરીકે ૨૮૭મું અઠવાડિયું શરૂ કર્યું હતું. આ સાથે જ તેણે અમેરિકન લેજન્ડ ખેલાડી પેટ સૅમ્પ્રસને પાછળ છોડી દીધો હતો. સૅમ્પ્રસ કુલ ૨૮૬ વીક નંબર-વનના સ્થાને રહ્યો હતો. આ વિશે જૉકોવિચે કહ્યું કે હું નાનપણથી પેટને મારો આદર્શ માનતો આવ્યો છું. તેના રેકૉર્ડને બ્રેક કરવું એ મારા માટે ઘણું સ્પેશ્યલ છે.’
સૌથી વધુ અઠવાડિયાં નંબર-વન તરીકે રહેવાની યાદીમાં જૉકોવિચ બીજા નંબરે છે. ૩૧૦ અઠવાડિયાંના રેકૉર્ડ સાથે સ્વિટ્ઝરલૅન્ડનો રૉજર ફેડરર છે. જૉકોવિચે ફેડરરનો રેકૉર્ડ ઓળંગવો હશે તો વધુ ૨૪ અઠવાડિયાં નંબર-વન સ્થાન પર રહેવું પડશે. અત્યારે નોવાકની નંબર સ્થાન તરીકેની લીડ જોતાં એ અશક્ય લાગતું નથી અને છઅેક મહિનામાં તે નંબર-વનમાં ટૉપમાં પહોંચી જશે. સૌથી વધુ અઠવાડિયાં નંબર-વન રહેવાની યાદીમાં ફેડરર, નોવાક અને સૅમ્પ્રસ બાદ ચોથા નંબરે ઇવાન લેન્ડલ (૨૭૦ અઠવાડિયાં) અને પાંચમા નંબરે જિમી કૉનર્સ (૨૬૮ અઠવાડિયાં) છે. સ્પેનનો રફાલ નડાલ ૨૦૯ અઠવાડિયાં સાથે છઠ્ઠા નંબરે છે.

નોવાક જૉકોવિચ નવો માસ્ટર્સ કિંગ

ઇટાલિયન ઓપનમાં ટૉપ સીડેડ નોવાક જૉકોવિચ ફાઇનલમાં જર્મનીના ડિએગો સ્વાર્ટ્ઝમૅનને ૭-૫, ૬-૩ એમ સીધા સેટમાં હરાવીને ચૅમ્પિયન બન્યો હતો. જૉકેવિચનું કરિયરનું આ ૩૬મું માસ્ટર્સ ટાઇટલ બન્યું હતું અને આ સાથે તેણે સૌથી વધુ ૩૫ માસ્ટર્સ ટાઇટલ જીતવાના રફાલ નડાલનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

tennis news sports news