23 September, 2023 06:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરમીત દેસાઈ
ચીનની એશિયન ગેમ્સમાં ગઈ કાલે ટેબલ ટેનિસમાં ખાસ કરીને સુરતના હરમીત દેસાઈ, જી. સાથિયાન અને શરથ કમલે ભારતને ખૂબ સારી શરૂઆત અપાવી હતી. યમન સામે ભારતે ૩-૦થી અને સિંગાપોર સામે ૩-૧થી વિજય મેળવ્યો હતો. હરમીત બન્ને દેશ સામેની મૅચ જીત્યો હતો અને સાથિયાન પણ બન્ને મુકાબલામાં જીત્યો હતો. જોકે પીઢ ખેલાડી શરથે યમનના હરીફ સામે જીત્યા બાદ સિંગાપોરના સ્પર્ધક સામે હાર જોવી પડી હતી. મહિલાઓની ટેબલ ટેનિસમાં પણ ભારત માટે સારો દિવસ હતો. મનિકા બત્રા, આહિકા મુખરજી અને શ્રીજા અકુલાનો સમાવેશ ધરાવતી ભારતીય ટીમે સિંગાપોરની ટીમને ૩-૨થી હરાવી હતી.
એશિયન ગેમ્સમાં ભારત વૉલીબૉલમાં છેલ્લે ૧૯૮૬માં મેડલ જીત્યું હતું અને એનું હવે ૩૭ વર્ષે પુનરાવર્તન થઈ શકે છે. ગઈ કાલે ભારતના પુરુષ ખેલાડીઓની ટીમે ચાઇનીઝ તાઇપેઇને ૩-૦થી (૨૫-૨૨, ૨૫-૨૨, ૨૫-૨૧)થી હરાવીને મેડલની આશા જીવંત રાખી હતી. ભારતીય ટીમની નૉકઆઉટ રાઉન્ડમાં સતત ત્રીજી જીત હતી. ગઈ કાલ પહેલાં ભારતીય ટીમે કમ્બોડિયાને ૩-૦થી અને સાઉથ કોરિયાને ૩-૨થી હરાવ્યું હતું. ભારતના આ બન્ને હરીફ દેશો અગાઉ એશિયન ગેમ્સમાં મેડલ જીત્યા હતા.
ચીનમાં એશિયન ગેમ્સ માટે અફઘાનિસ્તાનની બે ટીમ આવી રહી છે. એક ટીમ શાસક તાલીબાન દ્વારા મોકલવામાં આવી રહી છે, જેમાં માત્ર પુરુષ ઍથ્લીટ્સ છે, કારણ કે તાલીબાને મહિલાઓને સ્પોર્ટ્સમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ૧૩૦ પુરુષ ઍથ્લીટ્સ ક્રિકેટ, જુડો, રેસલિંગ, વૉલીબૉલ વગેરે રમતોની હરીફાઈમાં ભાગ લેશે. અફઘાનની બીજી ટીમ ૨૦૨૧માં તાલીબાને જેને ઊથલાવી નાખી હતી એ ચૂંટાયેલી સરકારના ધ્વજ હેઠળ આવશે અને એના ઍથ્લીટ્સ વિવિધ દેશોમાંથી ચીન પહોંચી રહ્યા છે અને એ ટીમમાં મહિલાઓની વૉલીબૉલ ટીમનો સમાવેશ છે. વિમેન્સ વૉલીબૉલ ટીમ ઈરાનથી, સાઇક્લિટ્સની ટીમ ઇટલીથી અને ઍથ્લેટિક્સની ટીમ ઑસ્ટ્રેલિયાથી આવી રહી છે.
૨૦૨૨માં અન્ડર-19 મેન્સ વર્લ્ડ કપ ભારતે જીત્યો હતો અને ૨૦૨૪ના આગામી વિશ્વકપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો બંગલાદેશ સામે થશે. વેસ્ટ ઇન્ડીઝમાં આ ટુર્નામેન્ટ ૧૩ જાન્યુઆરીએ શરૂ થશે. ગ્રુપ ‘અે’માં આયરલૅન્ડ અને યુએસએનો પણ સમાવેશ છે. ગ્રુપ ‘બી’માં ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝનો તથા ગ્રુપ ‘સી’માં ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, નામિબિયાનો તેમ જ ગ્રુપ ‘ડી’માં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ન્યુ ઝીલૅન્ડ અને નેપાલનો સમાવેશ છે. લીગ રાઉન્ડમાંથી ટોચની છ ટીમ સુપર-સિક્સમાં પહોંચશે.
શ્યૂ રેડફર્ન ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં પુરુષોની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પ્રથમ મહિલા અમ્પાયર બનશે. તેઓ મંગળવારે ગ્લેમૉર્ગન અને ડર્બીશર વચ્ચે શરૂ થતી મૅચમાં અમ્પાયરિંગ કરશે. રેડફર્ન ૧૯૯૫-૧૯૯૯ દરમ્યાન ઇંગ્લૅન્ડ વતી ૨૧ મૅચ રમ્યાં હતાં. ઇંગ્લૅન્ડે ગયા વર્ષે જે પણ મહિલા અમ્પાયર્સને ફુલ-ટાઇમ કૉન્ટ્રૅક્ટ આપ્યા હતા એમાં તેઓ પ્રથમ હતાં.