આફ્રિકા કપમાં સુપરસ્ટાર મોહમ્મદ સાલહની ટીમ હારી, નાઇજિરિયા સામે ૦-૧થી પરાજિત

13 January, 2022 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આફ્રિકા ખંડના ૨૪ દેશો વચ્ચે કૅમેરુનમાં ચાલી રહેલી આફ્રિકા કપ ઑફ નેશન્સ ફુટબૉલ સ્પર્ધામાં ત્રણ વખત ચૅમ્પિયન બનેલા ગ્રુપ-‘ડી’ના નાઇજિરિયાએ સાત વાર વિજેતાપદ મેળવનાર ઇજિપ્તને પોતાની પહેલી જ લીગ મૅચમાં ૧-૦થી હરાવી દીધું હતું.

આફ્રિકા કપમાં સુપરસ્ટાર મોહમ્મદ સાલહની ટીમ હારી

આફ્રિકા ખંડના ૨૪ દેશો વચ્ચે કૅમેરુનમાં ચાલી રહેલી આફ્રિકા કપ ઑફ નેશન્સ ફુટબૉલ સ્પર્ધામાં ત્રણ વખત ચૅમ્પિયન બનેલા ગ્રુપ-‘ડી’ના નાઇજિરિયાએ સાત વાર વિજેતાપદ મેળવનાર ઇજિપ્તને પોતાની પહેલી જ લીગ મૅચમાં ૧-૦થી હરાવી દીધું હતું. યુરોપિયન ફુટબૉલના સુપરસ્ટાર ખેલાડી મોહમ્મદ સાલહે ઇજિપ્તની ટીમની કૅપ્ટન્સી સંભાળી હતી અને તેની હાજરીમાં મૅચની 
૩૦મી મિનિટમાં કેલેચી ઇએનાચોએ ગોલ કરીને નાઇજિરિયાને ૧-૦થી સરસાઈ અપાવી હતી.
નાઇજિરિયાના પ્લેયરોએ ફૉર્વર્ડ ખેલાડી મોહમ્મદ સાલહને શરૂઆતથી અંત સુધી કાબૂમાં રાખ્યો હતો અને તેને એક પણ ગોલ નહોતો કરવા દીધો. અહીં ખાસ ઉલ્લેખ કરવાનો કે સાલહે કરીઅર દરમ્યાન ઇજિપ્ત વતી કુલ બાવન અને પ્રોફેશનલ ક્લબો વતી ૧૬૦થી પણ વધુ ગોલ કર્યા છે. ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં વર્તમાન સીઝનમાં તેણે લિવરપુલ વતી કરેલા ૧૬ ગોલ તમામ ખેલાડીઓમાં હાઇએસ્ટ છે. એ સ્પર્ધામાં મૅન્ચેસ્ટર યુનાઇટેડના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના તેનાથી અડધા (૮) ગોલ છે.
આફ્રિકા કપની અન્ય મૅચોમાં ગિની-બિસાઉ દેશ અને સુદાન વચ્ચેની મૅચ ૦-૦થી ડ્રૉ ગઈ હતી. આ સ્પર્ધા જીતવા માટે ફેવરિટ ગણાતા ગ્રુપ-‘ઇ’ના અલ્જીરિયાની સિયરા લીઓની સામેની મૅચ પણ ૦-૦ રહેતાં બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યો હતો. અલ્જીરિયાના આક્રમક ખેલાડીઓને સિયરાના પ્લેયરોએ જબરદસ્ત લડત આપી હતી અને તેમને એકેય ગોલ નહોતો કરવા દીધો.

sports news