સ્પોર્ટ્સ ન્યુઝ શૉર્ટમાંઃ ‘સર્વગુણ સંપન્ન’ સુકાની ૧૫ વર્ષે પણ નહીં મળે : ક્લાર્ક

25 November, 2021 05:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઉપરાંત વાંચો પી. વી. સિંધુએ જપાનની ઑહોરીને ૧૧મી વખત હરાવી

માઇકલ ક્લાર્ક

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કનું માનવું છે કે જો દેશના ક્રિકેટ વહીવટકર્તાઓ ‘સર્વગુણ સંપન્ન’ અને ‘નિષ્કલંક’ સુકાનીની શોધ કરતા રહેશે તો ઑસ્ટ્રેલિયન ટીમે આવતાં ૧૫ વર્ષ સુધી કૅપ્ટન વગર રહેવું પડશે. ૮ ડિસેમ્બરથી ઇંગ્લૅન્ડ સામે પ્રથમ ઍશિઝ ટેસ્ટ શરૂ થશે અને એ પહેલાં જ ટિમ પેઇને ચાર વર્ષ પહેલાં મહિલા-કર્મચારીને મોકલેલા અશ્લીલ મેસેજીસ ફરી જાહેરમાં ચર્ચાસ્પદ બનતાં ઑસ્ટ્રેલિયાનું સુકાનીપદ છોડી દીધું છે જેને કારણે ક્રિકેટ બોર્ડ નવો કૅપ્ટન શોધી રહ્યું છે. પૅટ કમિન્સ અને સ્ટીવ સ્મિથ અત્યારે મુખ્ય દાવેદાર છે. જોકે, ઑસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ ટિમ પેઇનને જ ફરી કૅપ્ટનપદે જોવા ઇચ્છે છે.

પી. વી. સિંધુએ જપાનની ઑહોરીને ૧૧મી વખત હરાવી
બાલીમાં ઇન્ડોનેશિયા ઓપન સુપર-૧૦૦૦ બૅડ્મિન્ટન સ્પર્ધામાં ગઈ કાલે ભારતની વર્લ્ડ ચૅમ્પિયન અને વિશ્વની સાતમી રૅન્કની પી. વી. સિંધુએ પ્રથમ રાઉન્ડમાં ભારે સંઘર્ષ બાદ જપાનની અયા ઑહોરીને ૧૭-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૭થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ઑહોરી સામે સિંધુની આ ૧૧મી જીત હતી. તેની સામે સિંધુનો ૧૧-૦નો ક્લીન રેકૉર્ડ છે. હવે સિંધુ બીજા રાઉન્ડમાં પહેલી વાર ૨૬મી રૅન્કની જર્મનીની ખેલાડી ઇવૉન લી સામે રમશે. પુરુષ વર્ગમાં કિદામ્બી શ્રીકાંત અને બી. સાઇ પ્રણીત પણ બીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા.

લુન્જી ઍન્ગિડીનો રિપોર્ટ પૉઝિટિવ : સિરીઝની બહાર
સાઉથ આફ્રિકાના પેસ બોલર લુન્જી ઍન્ગિડીનો કોવિડ-૧૯નો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેને આવતી કાલે નેધરલૅન્ડ્સ સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટેની ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે.

sports news pv sindhu