News In Short : યુક્રેનની વિજેતાએ રશિયન હરીફ સાથે હાથ ન મિલાવ્યા

11 March, 2023 06:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે દિવસ પહેલાં તેણે ફાઇનલમાં રશિયાની વરવરા ગ્રાશેવાને ૬-૩, ૭-૫થી હરાવી હતી. માર્ટાએ રશિયન હરીફ ગ્રાશેવાને હરાવ્યા પછી તેની સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો.

યુક્રેનની વિજેતાએ રશિયન હરીફ સાથે હાથ ન મિલાવ્યા

અમેરિકાના ઑસ્ટિનમાં યુક્રેનની માર્ટા કૉસ્ત્યુક પ્રથમ ડબ્લ્યુટીએ ટાઇટલ જીતી છે. બે દિવસ પહેલાં તેણે ફાઇનલમાં રશિયાની વરવરા ગ્રાશેવાને ૬-૩, ૭-૫થી હરાવી હતી. માર્ટાએ રશિયન હરીફ ગ્રાશેવાને હરાવ્યા પછી તેની સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. માર્ટાએ ટ્રોફી પોતાના દેશ યુક્રેનના શહીદોને અને યુદ્ધની અસર પામેલા લોકોને અર્પણ કરી હતી.

ન્યુ ઝીલૅન્ડ હજી શ્રીલંકાથી ૧૯૩ રન પાછળ
ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા ભારત સામે હરીફાઈ કરી રહેલા શ્રીલંકાએ ક્રાઇસ્ટચર્ચમાં ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. શ્રીલંકાએ પ્રથમ દાવમાં ૩૫૫ રન બનાવ્યા પછી ગઈ કાલે કિવીઓની ૧૬૨ રનમાં પાંચ વિકેટ લીધી હતી જેને પગલે ટીમ સાઉધીની ટીમ શ્રીલંકનોથી હજી ૧૯૩ રન પાછળ હતી. ત્રણ શ્રીલંકન પેસ બોલર્સમાંથી અસિથા ફર્નાન્ડો અને લાહિરુ કુમારાએ બે-બે વિકેટ અને કાસુન રજિતાએ છેલ્લા અડધા કલાકની રમત દરમ્યાન વિકેટકીપર ટૉમ બ્લન્ડેલ (૭)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. ઓપનર ટૉમ લેથમે ૬૭, ડેવૉન કોન્વેએ ૩૦ રન બનાવ્યા હતા અને કેન વિલિયમસન ફક્ત ૧ રન બનાવીને આઉટ થયો હતો.

સાઉથ આફ્રિકાની બીજી ટેસ્ટ પર મજબૂત પકડ
જોહનિસબર્ગમાં ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં ૭ વિકેટે ૨૮૭ રન બનાવ્યા હતા. ટેમ્બા બવુમા ૨૭૫ બૉલમાં બનાવેલા ૧૭૧ રને રમી રહ્યો હતો. લીડ સાથે સાઉથ આફ્રિકા ૩૫૬ રનથી આગળ હતું. કૅરિબિયન ટીમે પ્રથમ દાવમાં ૨૫૧ રન બનાવ્યા હતા.

ધોનીની કદાચ આ છેલ્લી આઇપીએલ હશે : મૅથ્યુ હેડન
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર મૅથ્યુ હેડનનું માનવું છે કે ‘ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ આગામી આઇપીએલ કદાચ સૌથી સારી રીતે સેલિબ્રેટ કરતી જોવા મળશે, કારણ કે તેમનો દંતકથારૂપ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની આ ટી૨૦ લીગમાં કદાચ છેલ્લી વાર રમતો જોવા મળશે. ટીમને નવજીવન આપવાની અને જોમવંતી બનાવવાની ધોનીમાં જે આવડત છે એવી બીજા કોઈ ખેલાડીમાં નથી. એટલે જ બે વર્ષના પ્રતિબંધ બાદ ધોનીએ આ ટીમને ફરી એકિત્રત કરી અને ટ્રોફી જિતાડી. મને લાગે છે કે ધોનીના રૂપમાં સીએસકેની જે પ્રણાલી ચાલે છે એનો અંત નજીક છે.’

ફ્રૅન્ચાઇઝી અને ટેસ્ટ ક્રિકેટ વચ્ચે સંતુલન જરૂરી : ગાંગુલી
ક્રિકેટની રમત અત્યારે મોટા પરિવર્તનકાળમાં છે અને એમાં મહત્ત્વના નિર્ણયો જરૂરી છે અને આ સ્થિતિમાં ફ્રૅન્ચાઇઝી ક્રિકેટ તથા ઇન્ટરનૅશનલ ક્રિકેટ વચ્ચે સમતુલા જળવાય એવી હિમાયત ક્રિકેટના કાયદા ઘડતી ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)ની વર્લ્ડ ક્રિકેટ કમિટી (ડબ્લ્યુસીસી)એ કરી છે. સૌરવ ગાંગુલી ડબ્લ્યુસીસીના મેમ્બર છે અને તેમણે કહ્યું છે કે ‘ટી૨૦ લીગ ટુર્નામેન્ટ્સ અને ટેસ્ટ ક્રિકેટની બાબતમાં સંતુલન ખૂબ જરૂરી છે. મને ખાતરી છે કે ક્રિકેટ-પ્લેઇંગ દેશો ટેસ્ટ ક્રિકેટમાં ઉચ્ચતમ મહત્ત્વ આપશે, કારણ કે મહાન ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાંથી જ મળતા હોય છે.’

sports news sports mahendra singh dhoni cricket news