સાનિયાને ખબર નહોતી કે પ્રેગનેન્સીમાં 23 કિલો વજન વધ્યા પછી તે ફરી રમશે

26 November, 2020 04:36 PM IST  |  Mumbai | IANS

સાનિયાને ખબર નહોતી કે પ્રેગનેન્સીમાં 23 કિલો વજન વધ્યા પછી તે ફરી રમશે

સાનિયા મિર્ઝા

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ગર્ભાવસ્થા દરમિયાનની તેની સ્થિતિ અંગે મુક્ત મને કેટલીક વાતચીત કરી હતી. એક તબક્કે સાનિયાને લાગતું હતું કે તે કદી ટેનિસ કોર્ટમાં પરત ફરી શકશે નહીં.
૨૦૧૦માં શોએબ મલિક સાથે લગ્ન કરનારી સાનિયાએ ઑક્ટોબર ૨૦૧૮માં ઇઝાન નામના પુત્રને જન્મ આપ્યો હતો. ૨૦૨૦માં તેણે ટેનિસ રમવાનું પુનઃ શરૂ કર્યું હતું અને તેની યુક્રેનિયન પાર્ટનર નાડિયા કિચેનોક સાથે ડબ્લ્યુટીએ હોબાર્ટ ઇન્ટરનૅશનલ ૨૦૨૦માં ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.
ડિસ્કવરી પ્લસ પર ‘બીઇંગ સેરેના’ જોયા બાદ સાનિયાએ એક ઓપન લેટરમાં જણાવ્યું હતું કે ‘ગર્ભાવસ્થા અને માતૃત્વએ મને એક બહેતર માનવી બનાવી છે. મેં જીવનમાં પ્રથમ વખત ગર્ભાવસ્થાનો અનુભવ કર્યો. એના વિશે આપણા મનમાં અમુક ચિત્ર અંકિત હોય છે, પણ જ્યારે તમે એનો અનુભવ કરો છો, ત્યારે તમને એનો સાચો અર્થ સમજાય છે. એ તમારામાં સમૂળગું પરિવર્તન લાવે છે.’
તેણે વધુમાં જણાવ્યું હતું કે ‘ગર્ભાવસ્થા દરમિયાન લગભગ ૨૩ કિલો જેટલું વજન વધી ગયા બાદ હું ફરી ફિટ થઈને ટેનિસ રમી શકીશ કે કેમ એ અંગે મને શંકા હતી. જોકે ખૂબ વર્કઆઉટ અને ચુસ્ત ડાયટને અનુસરીને મેં આશરે ૨૬ કિલો વજન ઉતાર્યું અને ટેનિસની રમતમાં પરત ફરી, કારણ કે મને ટેનિસ આવડે છે, હું એને પ્રેમ કરું છું અને એમાં મગ્ન રહું છું. આખરે જ્યારે હોબાર્ટમાં જીત મળી ત્યારે પ્રામાણિકતાથી કહું તો મને મારા પર ગર્વ થયો કે હું ફરી સર્વોચ્ચ સ્તરે રમવા માટે સક્ષમ બની શકી.’

sania mirza tennis news