PT Usha Husband Death: દુઃખદ! પી. ટી. ઉષાના પતિ શ્રીનિવાસનનું ૬૭ વર્ષની વયે અવસાન

30 January, 2026 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PT Usha Husband Death: આજે સવારે તેઓ પોતાને ઘરે ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેઓને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા

પી. ટી. ઉષા અને શ્રીનિવાસન

ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિયેશનનાં પ્રેસિડન્ટ તેમ જ રાજ્યસભા સાંસદ પી.ટી. ઉષાના પતિ શ્રીનિવાસનનું શુક્રવારે સવારે નિધન (PT Usha Husband Death) થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. ૬૭ વર્ષની વયે તેઓએ આ દુનિયાને અલવિદા કહ્યું છે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર આજે સવારે તેઓ પોતાને ઘરે ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેઓને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ કર્મચારી શ્રીનિવાસન તેમની રમતગમત અને રાજકીય કારકિર્દીમાં હંમેશા પી. ટી. ઉષાની સાથે રહ્યા હતા. 

જાહેરજીવનથી ઘણા દૂર રહેતા હતા શ્રીનિવાસન

મલપ્પુરમ જિલ્લાના પોન્નાનીના રહેવાસી શ્રીનિવાસન (PT Usha Husband Death)ને બાળપણથી જ સ્પોર્ટ્સમાં ખૂબ રસ હતો.  બંનેએ ૧૯૯૧માં લગ્ન કર્યા હતા.  ભૂતપૂર્વ કબડ્ડી ખેલાડી અને ત્યાંબાદમાં તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં પણ સામેલ થયા હતા. જ્યાં તેમણે એક અધિકારી તરીકે સેવા આપી હતી. લાંબી અને ગૌરવપ્રદ સ્પોર્ટ્સ અને વ્યાવસાયિક કારકિર્દી હોવા છતાં શ્રીનિવાસન હંમેશા જાહેર જીવનથી દૂર જ રહેતા હતા.

ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા અને રાજ્યસભાના સભ્ય બન્યા પછી પણ શ્રીનિવાસન પરિવાર અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને લોકોની નજરથી દૂર રહ્યા હતા. તેઓ સદૈવ શિસ્ત, મૃદુભાષી અને રમતગમત અને જાહેર સેવાના મૂલ્યો માટે ખૂબ પ્રતિબદ્ધ રહ્યા. તેમના પરિવારમાં તેમનો પુત્ર ડૉ. ઉજ્જવલ વિઘ્નેશ છે.

પી. ટી. ઉષા વતન જવા રવાના 

શ્રીનિવાસનના આકસ્મિક નિધન (PT Usha Husband Death)થી  દેશના રાજકીય અને રમતગમતવર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે શ્રીનિવાસનનું નિધન થયું તે વખતે પી. ટી. ઉષા સંસદના ચાલી રહેલા સત્રમાં ભાગ લેવા માટે નવી દિલ્હીમાં હતાં. પતિના અવસાનના સમાચાર મળતાં જ તેઓ હાલમાં તે પોતાના વતન પરત ફરી રહ્યાં છે અને ટૂંક જ સમયમાં તેઓ ઘરે પહોંચશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમાચાર (PT Usha Husband Death) સાંભળ્યા બાદ તરત જ ઉષાજી સાથે ફોન પર વાત કરી હતી અને તેમના પતિના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ તેમના પરિવારને સાંત્વના પણ આપી હતી. તેઓએ પરિવાર પર આવી પડેલી મોટી ખોટ સહન કરવાની શક્તિ મળે એ માટે પ્રભુપ્રાર્થના કરી હતી.

પી.ટી.ઉષા એ ઇન્ડિયન એથ્લેટિકસ પ્લેયર તરીકેનું ખૂબ જ જાણીતું નામ છે. તેમને `પયોલી એક્સપ્રેસ` અને `ગોલ્ડન ગર્લ` તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે એશિયન ગેમ્સ અને ચેમ્પિયનશિપમાં અસંખ્ય ગોલ્ડ મેડલ જીત્યા છે અને તેઓ ૧૯૮૪ લોસ એન્જલસ આયોજિત ઓલિમ્પિકમાં ૪૦૦ મીટર હર્ડલ્સમાં ચોથા સ્થાનેથી માત્ર ૧.૧૦૦ સેકન્ડને કારણે બ્રોન્ઝ મેડલ ચૂકી ગયા હતા.

sports news sports Olympics celebrity death indian government narendra modi