26 July, 2026 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રૉન્ઝ મેડલ અને ટુર્નામેન્ટના મૅસ્કૉટ સાથે ઝંડુ કુમાર.
ભારતના દિવ્યાંગ પૅરા-પાવરલિફ્ટર ઝંડુ કુમારે ગ્લાસગોમાં કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો પહેલો મેડલ જીત્યો હતો. બિહારના નાલંદાના ૨૯ વર્ષના ઝંડુ કુમારે પુરુષોની હેવીવેઇટ કૅટેગરીમાં ૧૩૦.૯ પૉઇન્ટના સ્કોર સાથે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. તેણે ત્રણ પ્રયાસમાંથી બીજા પ્રયાસમાં ૧૯૦ કિલો વજન ઉપાડીને શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. બાકીના ૬ ભારતીય પૅરાલિફ્ટર મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઝંડુ કુમાર ફાઇનલમાં ૧૩૦.૮ પૉઇન્ટ મેળવીને ૧.૯ પૉઇન્ટના માર્જિનથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો. તે પોતાના પહેલા પ્રયાસમાં ૧૯૦ કિલો વજન ઉપાડ્યા બાદ ત્રીજા પ્રયાસમાં ૧૯૬ કિલોનું વજન ઉપાડવામાં નિષ્ફળ રહ્યો હતો. નાઇજીરિયાનો હરીફ ખેલાડી ૨૦૮ કિલો વજન ઉપાડીને ૧૩૨.૮ પૉઇન્ટ સાથે ગોલ્ડ મેડલ અને ઇંગ્લૅન્ડનો હરીફ ખેલાડી ૧૯૯ કિલો વજન ઉપાડીને ૧૩૧.૦ પૉઇન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
ઝંડુ કુમારની કહાણી છે એકદમ ફિલ્મી
ચાર-પાંચ વર્ષની ઉંમને પોલિયોને કારણે પગ સહિત ઝંડુ કુમારનું શરીર પહેલાં જેવું સક્ષમ રહ્યું નહોતું. શાકભાજી વેચનારના પુત્ર ઝંડુ કુમારે ૨૦૨૧માં કોરોના મહામારી સમયે પરિવારને શાકભાજી વેચવામાં મદદ કરવાની સાથે ઈ-રિક્ષા પણ ચલાવી હતી.
સવારે ઘરથી ૨૦ કિલોમીટર દૂર જઈને શાકભાજી ખરીદીને વેચ્યા બાદ સાંજે ૪ વાગ્યે ઝંડુ કુમાર જિમમાં પાવરલિફિટિંગનો શોખ પૂરો કરવા જતો હતો. ૨૦૨૩માં દિલ્હીમાં આયોજિત નૅશનલ પૅરા-પાવરલિફિટિંગ ચૅમ્પિયનશિપના ખર્ચ પૂરા કરવા ઈ-રિક્ષા વેચી દીધી હતી. જોકે તે આ ટુર્નામેન્ટમાં નિષ્ફળ રહ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં હાજર કોચ રજિન્દર સિંહે ઝંડુ કુમારને ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથૉરિટી ઑફ ઇન્ડિયા (SAI)ના નૅશનલ સેન્ટર ઑફ એક્સેલન્સમાં ટ્રેઇનિંગ લેવા માટે આમંત્રિત કર્યો હતો. એ જ વર્ષે તેણે ખેલો ઇન્ડિયા પૅરા ગેમ્સમાં ૭૨ કિલો કૅટેગરીમાં ૨૦૬ કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો. બૅન્ગકૉકમાં ઇન્ટરનૅશનલ પૅરા પાવરલિફ્ટિંગમાં ૧૯૧ કિલો વજન ઉપાડીને બ્રૉન્ઝ મેડલ જીતીને તે સીધો કૉમનવેલ્થ ગૅમ્સ માટે ક્વૉલિફાય થયો હતો.
શારીરિક પડકારો અને નાણાકીય મુશ્કેલીઓ સામે લડવાથી લઈને એક જ ધ્યેય સાથે અવિરત તાલીમ લેવા સુધી તેણે દરેક મુશ્કેલીને શક્તિમાં ફેરવી દીધી. પોલિયોએ તેના શરીરને મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો ગરીબીએ તેનાં સપનાંઓને મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઝંડુ કુમારે આ બન્નેમાંથી કોઈને પણ તેનું ભવિષ્ય નક્કી કરવા દેવાનો ઇનકાર કર્યો.
પહેલી વખત કૉમનવેલ્થ ગેમ્સની શરૂઆત પૅરા-ઇવેન્ટના મેડલથી થઈ
ઇંગ્લૅન્ડના પચીસ વર્ષના નાના કદના માર્ક સ્વૉને પુરુષોની લાઇટવેઇટ પૅરા-પાવરલિફ્ટિંગ ઇવેન્ટ ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તેણે પોતાના શરીરના વજનથી ત્રણ ગણું ૨૨૨ કિલો વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પહેલી વખત ટુર્નામેન્ટની મેડલ-ટૅલીની શરૂઆત પૅરા-ઇવેન્ટના મેડલથી થઈ હતી. ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં પહેલો ગોલ્ડ ઇંગ્લૅન્ડના નામે થયો હતો.