30 July, 2025 06:57 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહ
લોકસભા (Loksabha)માં ચાલી રહેલા ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) દરમિયાન ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ પહેલગામ હુમલા (Pahalgam Terrorist Attack)ના આરોપી આતંકવાદીઓના ગુના રેકોર્ડ જાહેર કર્યા. તેમણે ભારતીય સૈનિક (Indian Soilders)ઓ દ્વારા માર્યા ગયેલા આતંકવાદીઓની સંપૂર્ણ વિગતો રજૂ કરી. અમિત શાહે ઓપરેશન મહાદેવ (Operation Mahadev)ની સફળતાની વિગતો આપી છે.
ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સંસદમાં કોંગ્રેસ (Congress)ના નેતા પી. ચિદમ્બરમ (P. Chidambaram) પર પ્રહારો કર્યા. ચિદમ્બરમે પહેલગામ હુમલાના આતંકવાદીઓને `સ્થાનિક` કહીને અને તેમના પાકિસ્તાનથી આવવાના પુરાવા માંગીને વિવાદ ઉભો કર્યો હતો. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા.
અમિત શાહે કહ્યું કે ચિદમ્બરમનું નિવેદન પાકિસ્તાનને `ક્લીનચીટ` આપવા જેવું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદી હુમલાના દોષિત ત્રણેય આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે, પરંતુ વિપક્ષ આનાથી નાખુશ દેખાય છે. આ સાથે, અમિત શાહે કહ્યું કે ઓપરેશન મહાદેવ સંપૂર્ણ ચકાસણી પછી જ હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદી ઘટના સ્થળેથી મળેલા કારતુસના બેલિસ્ટિક રિપોર્ટના આધારે આતંકવાદીઓની પુષ્ટિનો અંતિમ તબક્કો પૂર્ણ થયો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘કોઈ શંકા કરવાની જરૂર નથી. બેલિસ્ટિક રિપોર્ટ મારા હાથમાં છે અને ૬ વૈજ્ઞાનિકોએ તેની પુષ્ટિ કરી છે અને તેનું ક્રોસ-ચેકિંગ કર્યું છે. સવારે ૪.૪૬ વાગ્યે, છ વૈજ્ઞાનિકોએ ફોન કરીને કહ્યું કે આ ૧૦૦ ટકા એ જ ગોળીઓ છે જે ત્યાં ચલાવવામાં આવી હતી.’
સંસદમાં બોલતી વખતે અમિત શાહે કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓએ પહેલગામમાં ભયાનક હુમલો કર્યો હતો.’ તેમણે ચિદમ્બરમને પૂછ્યું, ‘પાકિસ્તાનને બચાવીને તમને શું મળશે?’
ઓપરેશન મહાદેવની વિગતો શેર કરતા અમિત શાહે કહ્યું કે, ‘માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ મળી આવી હતી. ઉપરાંત, તેમના શસ્ત્રોના બેલિસ્ટિક પરીક્ષણથી સાબિત થયું કે આ રાઇફલોનો ઉપયોગ પહેલગામ હુમલામાં કરવામાં આવ્યો હતો.’
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘આજે હું ચિદમ્બરમજીને કહેવા માંગુ છું કે અમારી પાસે પુરાવા છે કે તે ત્રણેય પાકિસ્તાની હતા. અમારી પાસે તેમાંથી બેના પાકિસ્તાની મતદાર નંબર છે. આ રાઇફલો પણ ત્યાં છે, તેમની પાસેથી મળેલી ચોકલેટ પણ પાકિસ્તાનમાં બનેલી હતી. તેઓ કહે છે કે તેઓ પાકિસ્તાની નહોતા, તેનો અર્થ એ છે કે દેશના એક ભૂતપૂર્વ ગૃહમંત્રી આખી દુનિયાની સામે પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છે.’
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘વિપક્ષ ફક્ત આતંકવાદીઓના ધર્મને જુએ છે અને પાકિસ્તાન પર સવાલ ઉઠાવવાની હિંમત કરતો નથી.’ શાહે ફરીથી ચિદમ્બરમ અને કોંગ્રેસ પર ‘પાકિસ્તાનને ક્લીનચીટ’ આપવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, હવે તેમને સરકાર પર સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘NIA એ આ આતંકવાદીઓને આશ્રય આપનારા લોકોને પહેલાથી જ પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે. ગઈકાલે ચાર લોકોએ પુષ્ટિ આપી હતી કે આ ત્રણ આતંકવાદી હુમલા માટે જવાબદાર છે. પરંતુ અમે આ વાત પર પણ વિશ્વાસ કર્યો નહીં, ઉતાવળમાં કાર્યવાહી કરી નહીં. અમે આતંકવાદી સ્થળ પરથી મળી આવેલા કારતૂસનું FSL પહેલેથી જ કરાવી લીધું હતું. આ રિપોર્ટ ચંદીગઢ FSL તરફથી મળેલા બેલિસ્ટિક રિપોર્ટના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. ગઈકાલે જ્યારે આ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા, ત્યારે તેમની પાસેથી ત્રણ હથિયારો મળી આવ્યા - એક M-9 અમેરિકન રાઈફલ અને બે AK-47 રાઈફલ. જે કારતૂસ મળી આવ્યા છે તે પણ M-9 અને AK-47 રાઈફલના હતા. પરંતુ અમે આટલાથી પણ સંતુષ્ટ ન હતા. આતંકવાદીઓની ઓળખ સ્થાપિત કરવા માટે, તેમની પાસેથી મળેલી ત્રણ રાઇફલોને શ્રીનગરથી ચંદીગઢ ખાસ વિમાન દ્વારા ઉડાડવામાં આવી હતી. અને આ રાઇફલો આખી રાત ફાયર કરવામાં આવી હતી અને તેમના શેલ બનાવવામાં આવ્યા હતા. બંને શેલ મેચ કરવામાં આવ્યા હતા. એટલે કે, પહેલગામમાંથી મળેલા શેલ અને ચંદીગઢમાં અહીં ફાયરિંગ દરમિયાન મળેલા શેલ મેચ કરવામાં આવ્યા હતા. રાઇફલના બેરલ અને મળેલા શેલ પણ મેચ કરવામાં આવ્યા હતા. પછી પુષ્ટિ થઈ કે આ ત્રણ રાઇફલોથી આપણા નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા.’
અમિત શાહે કહ્યું કે, સવારે ૪.૪૬ વાગ્યે, છ વૈજ્ઞાનિકોએ ફોન કરીને કહ્યું કે આ ૧૦૦ ટકા એ જ ગોળીઓ છે જે ત્યાં (પહલગામ હુમલા દરમિયાન) ચલાવવામાં આવી હતી.