એક ઑલિમ્પિક્સમાં ભારતીય શૂટર્સે પહેલી વાર મારી મેડલની હૅટ-ટ્રિક

02 August, 2024 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રૉન્ઝ જીતીને સ્વપ્નિલ કુસાળેએ પુરુષોની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન્સ ઇવેન્ટમાં ભારતને પહેલો આૅલિમ્પિક મેડલ અપાવ્યો

સ્વપ્નિલ કુસાળેએ પુરુષોની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન્સ ઇવેન્ટમાં ઑલિમ્પિક્સની રિંગવાળી વીંટી પહેરીને ભાગ લીધો હતો

પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય શૂટર્સ ઐતિહાસિક પ્રદર્શન કરીને દેશને ગૌરવ અપાવી રહ્યા છે. પૅરિસમાં ભારતને પહેલા ત્રણ બ્રૉન્ઝ મેડલ શૂટર્સે અપાવ્યા છે. ઑલિમ્પિક્સ ઇતિહાસમાં આ પહેલી ઘટના છે જ્યારે ભારતીય શૂટર્સે એક ઑલિમ્પિક્સમાં ત્રણ મેડલ જીત્યા હોય. મનુ ભાકરે ૧૦ મીટર ઍર પિસ્ટલમાં પહેલો બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો અને ત્યાર બાદ તેણે ૧૦ મીટર મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પહેલી વાર સરબજોત સિંહ સાથે મળીને ભારતને બીજો બ્રૉન્ઝ અપાવ્યો હતો. હવે મહારાષ્ટ્રનાે સ્વપ્નિલ કુસાળે પુરુષોની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન્સ ઇવેન્ટમાં બ્રૉન્ઝ જીત્યો છે. આ ઇવેન્ટમાં ભારતનો આ પહેલો મેડલ છે.

આ પહેલાં લંડન 2012માં એક ઑલિમ્પિક્સમાં ભારતીય શૂટર વિજય કુમારે સિલ્વર અને ગગન નારંગે બ્રૉન્ઝ જીતીને ભારતને એકસાથે બે મેડલ અપાવ્યા હતા. એ પહેલાં અભિનવ બિન્દ્રાએ બીજિંગ 2008માં ગોલ્ડ અને રાજ્યવર્ધન સિંહ રાઠોડે 2004 એથેન્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતે ઑલિમ્પિક્સની શૂટિંગ ઇવેન્ટમાં કુલ સાત મેડલ જીત્યા છે. આવનારા સમયમાં શૂટિંગમાં વધુ મેડલ જીતવાની આશા છે.

paris olympics 2024 Olympics india athletics sports sports news