31 July, 2024 09:47 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
સરબજોત સિંહ
પુરુષોની ૧૦ મીટર ઍર પિસ્ટલ ઇવેન્ટમાં નાના માર્જિનથી હાર્યા બાદ હરિયાણાના અંબાલા નજીકના ધીન ગામના વતની સરબજોત સિંહે ગઈ કાલે મનુ ભાકર સાથે મળીને પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગમાં ભારતનો બીજો મેડલ જીત્યો હતો. પોતાની પહેલી ઑલિમ્પિક ગેમ્સની પહેલી જ ઇવેન્ટમાં હાર્યાના ત્રણ દિવસ બાદ તેણે દેશને ગૌરવ અપાવ્યું હતું.
સરબજોતે અંબાલામાં કોચ અભિષેક રાણાની ઍકૅડેમીમાં જવા દરરોજ ૩૫ કિલોમીટરની લાંબી બસમુસાફરી અને તેના પિતાના બલિદાનને યાદ કરવાનું શરૂ કર્યું હતું. તેના પિતા તેમની મર્યાદિત ખેતીની આવકથી પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેણે તેના અમેરિકાસ્થિત દાદાને પણ યાદ કર્યા જેમણે સુનિશ્ચિત કર્યું કે તેમના પૌત્રને શૂટિંગનાં ખર્ચાળ સાધનોની અછત ન પડે. સરબજોત સિંહે યુટ્યુબ વિડિયો જોઈને શૂટર બનવાનું નક્કી કર્યું હતું.
સરબજોત સિંહે મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે ‘ફાઇનલ પછી હું ફક્ત એટલું જ વિચારી શકતો હતો કે મારા પિતાએ મારા માટે આખી જિંદગી શું કર્યું, મારા દાદાએ મદદ કરી અને મારી કરીઅરનાં પ્રથમ બે વર્ષ અંબાલાથી કરેલી બસની મુસાફરી મારી આંખો સામે દેખાવા લાગી. હવે મેડલ જીત્યા બાદ મને આશા છે કે હું મારાં માતા-પિતાનું જીવન સારું બનાવી શકીશ. મારા પરિવારે મારું મનોબળ વધાર્યું. પહેલી હાર બાદ મેં કોચ સાથે વાત કરી અને ભૂલ ક્યાં થઈ એ જાણવાનો પ્રયાસ કર્યો હતો.’