પુણેના ટિકિટ ક્લેક્ટર સ્વપ્નિલ કુસાળેએ ભારતને અપાવ્યો ત્રીજો મેડલ

02 August, 2024 08:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શૂટિંગની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન્સ ઇવેન્ટમાં જીત્યો બ્રૉન્ઝ મેડલ : ગગન નારંગ પાસેથી શૂટિંગની પ્રેરણા લીધી અને મહેન્દ્ર સિંહ ધોનીમાંથી શાંત રહેવાની શીખ લીધી

ચીનના ગોલ્ડ અને યુક્રેનના સિલ્વર મેડલિસ્ટ સાથે સેલ્ફી લઈ રહેલો સ્વપ્નિલ કુસાળે

પુણેના શૂટર સ્વપ્નિલ કુસાળેએ ૧૨ વર્ષ બાદ ઑલિમ્પિક્સ ડેબ્યુ કરીને પૅરિસ ઑલિમ્પિક્સમાં પુરુષોની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન્સમાં ભારતને એનો પહેલો બ્રૉન્ઝ મેડલ અપાવ્યો. ક્વૉલિફિકેશનમાં સાતમા ક્રમે રહેલા સ્વપ્નિલે આઠ શૂટર્સની ફાઇનલમાં ૪૫૧.૪નો સ્કોર કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ ઇવેન્ટમાં ચીન ગોલ્ડ અને યુક્રેન સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.

ઑલમોસ્ટ ૨૯ વર્ષના થઈ ગયેલા સ્વપ્નિલ કુસાળેએ પોતાના બર્થ-ડેના મહિનામાં જીવનની સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ મેળવી છે. તેનો જન્મ ૧૯૯૫ની ૬ ઑગસ્ટે કોલ્હાપુર જિલ્લાના કાંબલવાડી ગામમાં થયો હતો. ૨૦૧૨થી તે શૂટિંગ ઇવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યો છે. ૨૦૧૫થી ભારતીય રેલવેના પુણે ડિવિઝનમાં ટિકિટ કલેક્ટર તરીકે કામ કરતા સ્વપ્નિલે છ મહિનાની સૅલેરી બચાવીને એનો ઉપયોગ પોતાની ત્રણ લાખની પહેલી રાઇફલ ખરીદવામાં કર્યો હતો. તેણે ૨૦૧૭ની કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ, ૨૦૨૧ના વર્લ્ડ કપમાં ગોલ્ડ તથા ૨૦૨૨ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો.

સ્વપ્નિલ પોતાની જેમ ટિકિટ કલેક્ટર તરીકે કરીઅરની શરૂઆત કરનાર મહેન્દ્ર સિંહ ધોની પાસેથી શાંત રહેવાનું શીખ્યો છે. સ્વપ્નિલે જેની પાસે શૂટિંગની પ્રેરણા લીધી હતી તે ભૂતપૂર્વ ભારતીય શૂટર ગગન નારંગ એક ઇન્ટરવ્યુમાં તેની આ સિદ્ધિ જોઈને રડી પડ્યો હતો અને કહ્યું હતું કે તેણે ઘણી મહેનત કરી છે અને આ બ્રૉન્ઝ તેના માટે ગોલ્ડ સમાન છે.

પિતા અને ભાઈ શિક્ષક, માતા છે સરપંચ

સ્વપ્નિલનાં માતા-પિતાએ ગુરુવારે કહ્યું કે તેમને વિશ્વાસ હતો કે તેમનો પુત્ર દેશ માટે મેડલ જીતશે. સ્વપ્નિલનો ભાઈ અને તેના પિતા જિલ્લાની એક સ્કૂલમાં શિક્ષક છે, જ્યારે માતા ગામની સરપંચ છે. પિતા સુરેશ કુસાળેએ કહ્યું હતું કે ‘અમે તેને તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું અને ગઈ કાલે ફોન પણ કર્યો નહોતો. તાલીમ પાછળ લગભગ પચીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવા અમે લોન પણ લીધી હતી. તેની મહેનત અને સમર્પણનું આજે ફળ મળ્યું છે.’

માતા અનિતા કુસાળેએ કહ્યું હતું કે ‘તેણે કહ્યું હતું કે મેડલ જીતીને ઘરે આવીશ ત્યારે દિવસમાં ત્રણ વાર મારાં ફેવરિટ ભાખરી અને મેથીનું શાક ખાઈશ. હું સતત પ્રાર્થના કરી રહી હતી અને મેડલ મળતાંની સાથે જ આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.’

લાઇવ ટેલિકાસ્ટ જોઈ રહેલા પરિવારના સભ્યો અને પાડોશીઓએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.

paris olympics 2024 Olympics pune india athletics sports sports news