01 August, 2024 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર
પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતને પહેલા બે મેડલ અપાવનાર બાવીસ વર્ષની મનુ ભાકરે પોતાની નેક્સ્ટ ઇવેન્ટ પહેલાં દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. તેણે કહ્યું હતું કે ‘હું આશા રાખું છું કે તમારો પ્રેમ મળતો રહેશે. હું ચોક્કસપણે મારો બેસ્ટ પ્રયત્ન કરીશ. મને આશા છે કે લોકો નિરાશ નહીં થાય. જો હજી એક મેડલ ન જીતું તો કૃપા કરીને ગુસ્સે નહીં થતાં. મેં એક જ ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતવાની અપેક્ષા નહોતી રાખી.’
મનુ હવે બીજી ઑગસ્ટે પચીસ મીટરની પિસ્ટલ ઇવેન્ટમાં ભાગ લેશે.
મનુ ભાકરનો કોચ જસપાલ રાણા છે જૉબલેસ
પૅરિસ ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર શૂટર મનુ ભાકર સાથે તેના પર્સનલ કોચ જસપાલ રાણા પણ ચર્ચામાં છે. આ ભૂતપૂર્વ ભારતીય શૂટરે ચોંકાવનારો ખુલાસો કરતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ટોક્યો ઑલિમ્પિક્સ બાદ મને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. શું તેઓ મને મારી શાંતિ પાછી આપી શકશે? મનુએ મને ગૌરવ અપાવ્યું છે. તે આજે એક સ્ટાર છે અને હું જૉબલેસ. મને છેલ્લાં ત્રણ વર્ષથી નૅશનલ રાઇફલ અસોસિએશન કે અન્ય એજન્સી દ્વારા કોઈ મન્થ્લી સૅલેરી નથી મળી. સાત મહિના પહેલાં ચીનની નૅશનલ ટીમ તરફથી મળેલી ઑફર મેં મનુ માટે છોડી દીધી હતી. હું એક ફ્રેશ શરૂઆત કરવા ઇચ્છું છું, હું નોકરીની શોધમાં છું અને ભારતીય ટીમમાં વાપસી કરવાની ઇચ્છા રાખું છું.’