૧૦ ખેલાડીઓ સાથે રમતા ભારતે હૉકીમાં પેનલ્ટી શૂટઆઉટમાં અંગ્રેજોને પછાડ્યા

05 August, 2024 11:50 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

સંકટમોચક શ્રીજેશના મજબૂત પ્રદર્શનને કારણે ભારત સતત બીજી વાર આૅલિમ્પિક્સની સેમી ફાઇનલમાં : વર્તમાન ચૅમ્પિયન બેલ્જિયમ મેડલની રેસમાંથી બહાર, ક્વૉર્ટર ફાઇનલમાં સ્પેન સામે હાર્યું : ભારતની મૅચ ૬ આૅગસ્ટે

જીતની ઉજવણી કરતા ભારતીય હૉકી પ્લેયર્સ

પોતાની છેલ્લી ટુર્નામેન્ટ રમી રહેલો ગોલકીપર પી. આર. શ્રીજેશ ફરી એક વાર ભારતીય હૉકીની દીવાલ સાબિત થયો અને ૪૨ મિનિટ સુધી દસ ખેલાડીઓ સાથે રમવા છતાં ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં ગ્રેટ બ્રિટનને ૪-૨ પૉઇન્ટથી હરાવ્યું. ૩૬ વર્ષના શ્રીજેશે હરીફ ટીમના દરેક શૉટ સામે દીવાલ બનીને તેમને લીડ લેવા દીધી નહોતી. બ્રિટને ભારતીય ગોલ-પોસ્ટ પર ૨૮ વખત શૉટ માર્યા અને માત્ર એક જ સફળતા મળી જેને કારણે નિર્ધારિત સમય સુધીનો સ્કોર ૧-૧ પર ટાઇ થતાં મૅચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. ભારત તરફથી નિર્ધારિત સમયમાં કૅપ્ટન હરમનપ્રીત સિંહે બાવીસમી મિનિટે અને ગ્રેટ બ્રિટન તરફથી લી મૉર્ટને ૨૭મી મિનિટે ગોલ કર્યા હતા.

શૂટઆઉટમાં ભારત તરફથી હરમનપ્રીત સિંહ, સુખજિત સિંહ, લલિત ઉપાધ્યાય અને રાજકુમાર પાલે ગોલ કર્યા હતા, જ્યારે ઇંગ્લૅન્ડના જેમ્સ અલ્બેરી અને જેક્સ વૅલેન્સ જ ગોલ કરી શક્યા હતા. કોનોર વિલિયમસન ટાર્ગેટ ચૂકી ગયો અને ફિલિપ રોપરનો શૉટ શ્રીજેશે બચાવી લીધો. ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય પુરુષ હૉકી ટીમે ૪૧ વર્ષ બાદ મેડલ જીત્યો હતો. ૧૯૮૦માં ભારતીય ટીમે છેલ્લી વાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. આઠ ગોલ્ડ મેડલનો ભવ્ય ભૂતકાળ ધરાવતી ભારતીય હૉકી ટીમ સતત બીજી વાર ઑલિમ્પિક્સની સેમી ફાઇનલમાં પહોંચી છે.  

સેમી ફાઇનલ મૅચ કોની વચ્ચે રમાશે?

ભારતે આવતી કાલે ૬ ઑગસ્ટે યોજાનારી સેમી ફાઇનલમાં જર્મની અને આર્જેન્ટિના વચ્ચેની ક્વૉર્ટર ફાઇનલના વિજેતા સાથે રમવાનું છે. ગઈ કાલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેલ્જિયમ સ્પેન સામે ક્વૉર્ટર ફાઇનલમાં હારીને મેડલની રેસમાંથી બહાર થયું હતું. નેધરલૅન્ડ્સ અને ઑસ્ટ્રેલિયાની મૅચની વિજેતા ટીમ સ્પેન સામે સેમી ફાઇનલ મૅચ રમશે.

મૅચમાં રેડ કાર્ડ કોને અને કેમ મળ્યું?

ભારતીય ટીમે ૬૦ મિનિટની રમતમાં લગભગ ૪૦ મિનિટ સુધી ૧૦ ખેલાડીઓ સાથે જ કામ ચલાવવું પડ્યું હતું, પ્રથમ ક્વૉર્ટરમાં બ્રિટિશ ખેલાડી સામે હૉકી સ્ટિક ઊભી કરવા બદલ અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું, જેને કારણે મૅચમાં ભારતનો એક ખેલાડી ઓછો થયો હતો.

ભારતીય ગોલકીપર શ્રીજેશની હૉકી-સ્ટિક પર કોનું નામ હતું?

ગ્રેટ બ્રિટન સામે જીત નોંધાવ્યા બાદ પી.આર. શ્રીજેશ તેની હૉકી-સ્ટિક તરફ ઇશારો કરતો જોવા મળ્યો હતો જેના પર તેની પત્નીનું નામ અનિશ્યા લખેલું હતું. તેણે ક્વૉર્ટર ફાઇનલની જીત તેની પત્ની તેમ જ સમગ્ર દેશને સમર્પિત કરી હતી.

અમારા ડિફેન્સનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. દસ ખેલાડીઓ સાથે રમવું સરળ નહોતું. : કૅપ્ટન હરમનપ્રીત સિંહ

આ ભારતનો દિવસ હતો. સેમી ફાઇનલમાં સામે જે પણ હશે, અમે અમારી નૅચરલ રમત રમીશું. : ગોલકીપર પી. આર. શ્રીજેશ

મારાં આંસુ રોકાતાં નહોતાં, મેં વર્ષો પછી આટલી સારી હૉકી જોઈ અને હવે મને વિશ્વાસ છે કે આ ટીમ ૪૪ વર્ષ પછી આૅલિમ્પિક ગોલ્ડ અપાવી શકે છે. : મહાન હૉકી ખેલાડી ધનરાજ પિલ્લે

paris olympics 2024 Olympics india Indian Mens Hockey Team hockey sports sports news