ઓસાકા આઉટ : ‘મમ્મી’ ઍઝરેન્કા ૬ વર્ષે ચોથા રાઉન્ડમાં

22 January, 2022 10:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગયા વર્ષની ચૅમ્પિયન જપાનની ઓસાકાને ૬૦મા નંબરની અમેન્ડાએ હરાવી ઃ નડાલ, ઝ્વેરેવ ચોથા રાઉન્ડમાં

અમેન્ડા ઍનિસિમોવા

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે વધુ એક અપસેટ થયો હતો. ૨૦૧૯ તથા ૨૦૨૧માં આ સ્પર્ધા જીતનાર જપાનની નાઓમી ઓસાકાનો ત્રીજા રાઉન્ડમાં અમેરિકાની ૨૦ વર્ષની અમેન્ડા ઍનિસિમોવા સામે ૬-૪, ૩-૬, ૬-૭ (૫-૧૦)થી પરાજય થયો હતો. ૨૪ વર્ષની ઓસાકા સિંગલ્સનાં ચાર ગ્રૅન્ડ સ્લૅમ જીતી છે અને વિશ્વમાં અત્યારે તેની ૧૩મી રૅન્ક છે. જોકે એકેય ગ્રૅન્ડ સ્લૅમ હજી સુધી ન જીતી શકનાર તેમ જ વિશ્વમાં ૬૦મી રૅન્ક ધરાવનાર અમેન્ડા ઍનિસિમોવા સામે ઓસાકા હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ છે. બન્ને પ્લેયરો પહેલી જ વાર એકમેક સામે રમી હતી.
અમેન્ડા હવે ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ નંબર વન અને ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતવા માટે ફેવરિટ ગણાતી ઍશ બાર્ટી સામે ચોથા રાઉન્ડમાં રમશે. બાર્ટીએ ગઈ કાલે ઇટલીની કૅમિલા જિઓર્ગીને ૬-૨, ૬-૩થી હરાવી હતી.
ઍઝરેન્કા ૬-૦, ૬-૨થી જીતી
ત્રીજા રાઉન્ડની અન્ય એક મૅચમાં બેલારુસની વિક્ટોરિયા ઍઝરેન્કાએ યુક્રેનની એલિના સ્વિતોલિનાને ૬-૦, ૬-૨થી હરાવીને ચોથા રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી. ઍઝરેન્કા આ વિજય પછી પ્રેસ-કૉન્ફરન્સમાં પાંચ વર્ષના પુત્ર લીઓને લઈને આવી હતી. ઍઝરેન્કા ૨૦૧૨ અને ૨૦૧૩માં ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતી હતી. તે ૬ વર્ષે આ સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં પહોંચી છે.
નડાલ, ઝ્‍વેરેવ ચોથા રાઉન્ડમાં
સ્પેનનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન રાફેલ નડાલ ગઈ કાલે ઑલિમ્પિક્સના સિલ્વર-મેડલિસ્ટ રશિયાના કરેન ખાચાનોવને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૬-૩, ૬-૨, ૩-૬, ૬-૧થી હરાવીને ૧૫મી વખત આ સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો હતો.
નડાલ ૨૦૦૯માં ઑસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો અને આ વખતે નોવાક જૉકોવિચ અને ઈજાગ્રસ્ત રોજર ફેડરરની ગેરહાજરીમાં ૨૧મું અૈતિહાસિક ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી લેવાના મૂડમાં છે.
ગઈ કાલે થર્ડ-સીડેડ જર્મનીના ઍલેક્ઝાન્ડર ઝ્‍વેરેવે મોલ્દોવાના રાદુ આલ્બૉટને થર્ડ રાઉન્ડમાં ૬-૩, ૬-૪, ૬-૪થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

 હું આ ટૂરમાં મારા દીકરાને લઈને આવી છું, પણ તેની હાજરીથી મારી પ્રૅક્ટિસમાં કે મૅચમાં કોઈ એકાગ્રતાના ભંગ નથી થતો, ઊલ્ટાનું તેની અહીં હાજરીથી મારો આત્મવિશ્વાસ વધી ગયો છે. તેની સાથે મારી જીતને અહીં જ શૅર કરવાની મારા માટે અમૂલ્ય પળ છે. - વિક્ટોરિયા ઍઝરેન્કા

sports news