બૅડ્‌મિન્ટન સ્ટાર સાઇના નેહવાલે નિવૃત્તિની પુષ્ટિ કરી

21 January, 2026 02:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

છેલ્લાં બે વર્ષથી ઘૂંટણની સમસ્યાને કારણે રમતથી દૂર હતી

સાઇના નેહવાલ

ભારતીય બૅડ્‌મિન્ટન સ્ટાર સાઇના નેહવાલે સ્પર્ધાત્મક રમતમાંથી નિવૃત્તિની પુષ્ટિ કરી છે. છેલ્લાં બે વર્ષથી ઘૂંટણની વારંવારની ઇન્જરીની લાંબી સમસ્યાને કારણે તે રમતથી દૂર હતી. ૨૦૧૨ લંડન ઑલિમ્પિક્સ બ્રૉન્ઝ મેડલ વિજેતા સાઇના નેહવાલ ૨૦૨૩માં સિંગાપોર ઓપનમાં તેની છેલ્લી સ્પર્ધાત્મક મૅચ રમી હતી, પરંતુ એ સમયે તેણે ઔપચારિક રીતે નિવૃત્તિની જાહેરાત કરી નહોતી.
એક પૉડકાસ્ટમાં ૩૫ વર્ષની સાઇના નેહવાલે કહ્યું હતું કે ‘મેં બે વર્ષ પહેલાં રમવાનું બંધ કરી દીધું હતું. મને ખરેખર લાગ્યું કે મેં આ રમતમાં મારી પોતાની શરતો પર પ્રવેશ કર્યો છે અને એને મારી પોતાની શરતો પર છોડી દીધી છે એટલે એની જાહેરાત કરવાની કોઈ જરૂર નથી. આ વિશે મારાં મમ્મી-પપ્પા અને કોચને જાણવાની જરૂર હતી અને મેં તેમને ફક્ત એટલું જ કહ્યું કે હું હવે રમી શકતી નથી એ મુશ્કેલ છે.’ 
તેણે વધુમાં કહ્યું હતું કે ‘જો તમે હવે રમી શકતા નથી, તો બસ. એ ઠીક છે. વિશ્વમાં શ્રેષ્ઠ બનવા માટે તમારે દિવસમાં ૮થી ૯ કલાક તાલીમ લેવી પડે છે. હવે મારાં ઘૂંટણ ફક્ત એક કે બે કલાકમાં હાર માની રહ્યાં છે. મને લાગ્યું નહોતું કે મારી નિવૃત્તિની જાહેરાત કરવી આટલી મોટી વાત છે. મને લાગ્યું કે મારો સમય પૂરો થઈ ગયો છે, કારણ કે હું આટલો સખત પ્રયાસ કરી શકતી નથી, મારાં ઘૂંટણ પહેલાં જેટલા તનાવનો સામનો કરી શકતાં નથી.  આર્થ્રાઇટિસને કારણે મારાં ઘૂંટણના કાર્ટિલેજ સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયાં છે.’ 
એપ્રિલ ૨૦૧૫માં નંબર વન બૅડ્‌મિન્ટન મહિલા ખેલાડી રહેલી સાઇના નેહવાલે પોતાની કરીઅરમાં વિમેન્સ સિંગલ્સમાં ૪૪૬ મૅચ જીતી છે અને ૨૩૪ મૅચ હારી છે. ઑલિમ્પિક્સ સિવાય વર્લ્ડ ચૅમ્પિયનશિપ, ઉબર કપ, કૉમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, ઍશિઝન ચૅમ્પિયનશિપ સહિતની મોટી ટુર્નામેન્ટમાં મેડલ જીતવા બદલ તે ખેલરત્ન, અર્જુન અવૉર્ડ, પદ્મભૂષણ અને પદ્મશ્રી સહિતના પુરસ્કારથી સન્માનિત થઈ ચૂકી છે. 

saina nehwal badminton news sports news sports Olympics