જૉકોવિચને પ્રથમ ચૅમ્પિયનપદની ભૂમિ પર જ મળ્યો જાકારો

07 January, 2022 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૅક્સિનેશનમાંથી મુક્તિ મળ્યાનો દાવો કરનાર વર્લ્ડ નંબર વનને ઍરપોર્ટ પર અટકાવાયો અને પછી વિઝા રદ કરાયા ઃ અપીલની સુનાવણી સુધી ક્વૉરન્ટીન કરાયો

નોવાક જૉકોવિચન

ટેનિસના વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચને ઑસ્ટ્રેલિયામાં આવવા દેવા માટેના વિઝા ગઈ કાલે તે મેલબર્ન આવી પહોંચ્યો ત્યારે નાટ્યાત્મક સંજોગોમાં રદ કરવામાં આવ્યા હતા. ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમવા આવેલા સર્બિયાના આ ડિફેન્ડિંગ ચૅમ્પિયનને વૅક્સિનેશનમાંથી મુક્તિ આપવામાં આવતાં ભારે વિવાદ સર્જાતાં જૉકોવિચને ઑસ્ટ્રેલિયા સરકારના ટોચના સત્તાધીશોએ એન્ટ્રી-વિઝા નકાર્યા હતા.
૨૦માંથી ૯ ટાઇટલ ઑસ્ટ્રેલિયન ઓપનનાં
૩૪ વર્ષનો જૉકોવિચ કુલ ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો છે. એમાં સૌથી વધુ ૯ ટાઇટલ ઑસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સ સ્પર્ધાનાં છે અને તે મેલબર્નમાં કુલ ૧૦મું અને લાગલગાટ ચોથું ટાઇટલ મેળવવા આવ્યો હતો. યોગાનુયોગ, તે ૨૦માંથી પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ મેલબર્નમાં ૨૦૦૮માં ઑસ્ટ્રેલિયન ઓપનના રૂપમાં જ જીત્યો હતો અને તેની ગ્રૅન્ડ સ્લૅમના વિજેતાપદની શરૂઆત ઑસ્ટ્રેલિયાથી જ થઈ હતી અને હવે તેને પહેલા ચૅમ્પિયનપદની એ જ ભૂમિ પર પ્રવેશ નથી મળ્યો.
જૉકોવિચનાં ૨૦માંથી બાકીનાં ૧૧ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ્સમાં બે ફ્રેન્ચ ઓપનનાં, ૬ વિમ્બલ્ડનનાં અને ત્રણ યુએસ ઓપનનાં છે.
જૉકોવિચ ભૂતકાળમાં ઘણી વાર 
કોવિડ-વિરોધી વૅક્સિનની વિરુદ્ધમાં બોલી ચૂક્યો છે અને પોતે એનો એકેય ડોઝ લીધો છે કે નહીં એનો તેણે ક્યારેય ખુલાસો પણ નથી કર્યો. રાફેલ નડાલ સહિત બધા ખેલાડીઓ બન્ને ડોઝ લીધા હોવાની જાણ સત્તાધીશોને કરી ચૂકયા છે.
જૉકાવિચે બુધવારે ઑસ્ટ્રેલિયામાં આવતાં જાહેરાત કરી હતી કે ‘વિક્ટોરિયા સ્ટેટની સરકારે મને વૅક્સિનેશનના ફરજિયાત નિયમમાંથી મુક્તિ આપી છે.’ આ સ્ટેટની સરકાર જૉકોવિચનું કડક નિયમમાં રક્ષણ કરવાની હતી, પરંતુ ઑસ્ટ્રેલિયન બૉર્ડર ફૉર્સે ગઈ કાલે જણાવ્યું કે ‘વડા પ્રધાન સ્કૉટ મૉરિસનના જણાવ્યા અનુસાર જૉકોવિચે વૅક્સિનેશનમાંથી મુક્તિ કયા કારણસર મળી એની સંતોષકારક સ્પષ્ટતા કરવી પડશે. જૉકોવિચ એવો કોઈ ખુલાસો નથી કરી શક્યો અને તેની પાસે કાયદેસરની વૅક્સિનનેશનની મુક્તિને લગતો કોઈ દસ્તાવેજ પણ નથી એ જોતાં તેને ઑસ્ટ્રેલિયામાં એન્ટ્રી નકારાઈ છે.’
અપીલની સુનાવણી સોમવાર પર મોકૂફ
જૉકોવિચને મેલબર્ન ઍરપોર્ટ પર એન્ટ્રી ન મળ્યા બાદ ઇમિગ્રેશન અધિકારીઓની દેખરેખમાં તેને એક હોટેલમાં લઈ જવાયો હતો. જૉકોવિચે વિઝા રદ કરવાનો નિર્ણય પાછો લેવડાવવા અપીલ કરી છે જેની સુનાવણી છેક સોમવારે થવાની હોવાથી તેણે વીક-એ પણ હોટેલમાં ક્વૉરન્ટીનમાં વિતાવવું પડશે.
સર્બિયાની સરકાર ગુસ્સામાં
યુરોપના દેશ સર્બિયાની સરકાર ગુસ્સે થઈ હતી અને પોતાના સુપરસ્ટાર ખેલાડીને આ રીતે પરેશાન કરવા બદલ ઑસ્ટ્રેલિયાના સત્તાવાળાઓની ટીકા કરી હતી.

sports news tennis news