લોકો કહેતા, ‘નિખતને ટૂંકાં કપડાં ન પહેરાવો’

21 May, 2022 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે તે વર્લ્ડ ચૅમ્પિયન બની છે ત્યારે આ વાતને યાદ કરીને લાગણીશીલ થયા વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સરના પપ્પા

લોકો કહેતા, ‘નિખતને ટૂંકાં કપડાં ન પહેરાવો’

તેલંગણની ૨૫ વર્ષની મહિલા બૉક્સર નિખત ઝરીન ગુરુવારે ઇસ્તંબુલમાં રમાયેલી વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. બાવન કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં તેણે થાઇલૅન્ડની જિત્પોન્ગ જુતેમસને ૫-૦થી હરાવી હતી. મૅરી કૉમના સ્ટારડમને કારણે નિખત માટે અહીં સુધીની સફર ઘણી પડકારજનક હતી. સૌથી પહેલાં તો તેણે પોતાના સમાજ સામે લડવું પડ્યું હતું. ત્યાર બાદ આ જ રમતમાં પોતાના જ દેશની મૅરી કૉમ જેવી ખેલાડી સામેનો પડકાર હતો. જોકે ઝરીન માટે સૌથી સારી વાત એ હતી કે તેને તેના પપ્પા મોહમ્મદ જમીલનો પૂરેપૂરો ટેકો મળ્યો હતો, કારણ કે જમીલ પોતે એક ફુટબૉલ તેમ જ ક્રિકેટ ખેલાડી રહી ચૂક્યા છે. જમીલે કહ્યું કે નિખતની સફળતા મુસ્લિમ યુવતીઓ માટે એક પ્રેરણારૂપ છે. ઝરીનની ત્રણ બહેનો પણ છે, જેમાં બે મોટી અને એક નાની છે. જમીલે કહ્યું કે ‘શરૂઆતના દિવસોમાં સમાજના લોકો જ તેમની દીકરીઓને સ્પોર્ટ્સમાં મોકલતા રોકતા હતા. કહેતા હતા કે સ્પોર્ટ્સમાં છોકરીઓને ટૂંકાં કપડાં પહેરવાં પડે છે, જે યોગ્ય નથી. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવો એક એવી સફળતા છે, જે મુસ્લિમ ઉપરાંત દેશની દરેક યુવતીઓને સફળતા મેળવવા માટે પ્રેરણાનું કામ કરશે. છોકરો હોય કે છોકરી, દરેકે પોતાનો રસ્તો જાતે જ બનાવવો પડે છે.’ નિખતની બે મોટી બહેનો ડૉક્ટર છે અને નાની બહેન બૅડ્મિન્ટન ખેલાડી છે. નિખત ૧૩ વર્ષની હતી ત્યારથી તેણે બૉક્સિંગ રમવાની શરૂઆત કરી હતી. 
નિખતે પોતાના મુકાબલા બાદ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે ‘છેલ્લાં બે વર્ષથી મેં માત્ર મારી રમત પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મારી જેકંઈ નબળાઈઓ હતી એને સુધારવાનો પ્રયાસ કરતી હતી. મારી કરીઅરમાં જેકોઈ મુશ્કેલીઓ આવી એણે મને માનસિક રીતે મજબૂત બનાવી હતી.’ 
ઝરીને બે વર્ષ પહેલાં તત્કાલીન સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરેન રિજિજુને ઑલિમ્પિક ક્વૉલિફાયર માટે પારદર્શક ટ્રાયલ માટે પણ પત્ર લખ્યો હતો.  

sports news