News in Shorts : આજે મૅન્ચેસ્ટર સિટી અને મિલાનની ચૅમ્પિયન્સ લીગ ફાઇનલ

10 June, 2023 11:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજની ફાઇનલ જીતનાર ટીમ ૨૦૨૩-’૨૪ની ચૅમ્પિયન્સ લીગ માટે આપોઆપ ક્વૉલિફાય થઈ જશે

મૅન્ચેસ્ટર સિટીનો સુપરસ્ટાર અર્લિંગ હાલાન્ડ

આજે મૅન્ચેસ્ટર સિટી અને મિલાનની ચૅમ્પિયન્સ લીગ ફાઇનલ

ટર્કીના ઇસ્તંબુલ શહેરમાં આજે (મધરાતે ૧૨.૩૦ વાગ્યાથી) ચૅમ્પિયન્સ લીગ ફુટબૉલ સ્પર્ધાની ફાઇનલ રમાશે, જે જીતીને મૅન્ચેસ્ટર સિટીને પખવાડિયામાં લાગલગાટ ત્રીજી ટ્રોફી જીતવાની તક છે. આ ફાઇનલ ઇન્ટર મિલાન સામે રમાશે. સિટીની ટીમ તાજેતરમાં પ્રીમિયર લીગની ટ્રોફી અને એફએ કપની ટ્રોફી જીતી હોવાથી આજે ચૅમ્પિયન્સ લીગમાં ટ્રોફીની હૅટ-ટ્રિક કરવાનો એને મોકો છે. આજની ફાઇનલ જીતનાર ટીમ ૨૦૨૩-’૨૪ની ચૅમ્પિયન્સ લીગ માટે આપોઆપ ક્વૉલિફાય થઈ જશે. ઇલ્ખય ગુન્ડોઆન સિટીનો કૅપ્ટન છે અને અર્લિંગ હાલાન્ડ, કેવિન ડિબ્રુઇન આ ટીમના મુખ્ય ખેલાડીઓ છે. ઇન્ટર મિલાનનો કૅપ્ટન સૅમિર હૅન્ડાનોવિચ છે અને રોમેલુ લુકાકુ મુખ્ય પ્લેયર છે.

અન્ડર-20 ફુટબૉલ વર્લ્ડ કપમાં ઇટલી વિરુદ્ધ ઉરુગ્વે

આર્જેન્ટિનામાં આવતી કાલે અન્ડર-20 ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ રમાશે, જે જીતીને આ ટુર્નામેન્ટની ટ્રોફી પહેલી વાર જીતવાનો ઇટલી અને ઉરુગ્વેને મોકો છે. સેમી ફાઇનલમાં ઇટલીએ સાઉથ કોરિયાને ૨-૧થી અને ઉરુગ્વેએ ઇઝરાયલને ૧-૦થી હરાવ્યું હતું. બન્ને મૅચ સદ્ગત ડિએગો મૅરડોનાના નામવાળા સ્ટેડિયમમાં રમાઈ હતી. ફાઇનલ અને ત્રીજા સ્થાન માટેની મૅચ પણ આ જ ગ્રાઉન્ડ પર રમાશે.

મહિલા ફુટબૉલ વર્લ્ડ કપની ૧૦ લાખ ટિકિટ વેચાઈ ગઈ

આવતા મહિને ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં વિમેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ રમાશે અને એ માટેની કુલ ૧૦ લાખથી વધુ ટિકિટ અત્યાર સુધી વેચાઈ ગઈ છે. કુલ ૩૨ દેશની ટીમ આ વિશ્વકપમાં ભાગ લેશે. ૨૦૧૫માં કૅનેડાનાં વિવિધ સ્ટેડિયમોમાં આ સ્પર્ધા કુલ ૧૩ લાખ લોકોએ જોઈ હતી.

એફવન રેસ-ડ્રાઇવરની હેલ્મેટના હરાજીમાં ઊપજ્યા ૨.૭૨ કરોડ રૂપિયા

યુરોપમાં આવેલા મૉનેકો દેશના પચીસ વર્ષના એફવન કાર રેસ-ડ્રાઇવર ચાર્લ્સ લેક્લકે ગયા મહિને મૉનેકો ગ્રાં પ્રિમાં જે હેલ્મેટ પહેરી હતી એની હરાજી કરવામાં આવી છે અને એના ૨.૬૩ લાખ પાઉન્ડ (અંદાજે ૨.૭૨ કરોડ રૂપિયા) ઊપજ્યા છે. કોઈ કાર રેસિંગ ડ્રાઇવરની હેલ્મેટના આટલા બધા પૈસા પહેલી વાર ઊપજ્યા છે. આ વર્લ્ડ રેકૉર્ડ રકમ ઉપરાંત લેક્લકના રેસ-સૂટ, ગ્લવ્ઝ અને બૂટનું પણ આરએમ સૉધબીઝ દ્વારા લિલામ કરવામાં આવ્યું હતું અને એના ૧.૦૬ લાખ પાઉન્ડ (૧.૦૯ કરોડ રૂપિયા) ઊપજ્યા છે. કુલ મળીને ૩.૭૦ લાખ પાઉન્ડ (૩.૮૧ કરોડ રૂપિયા) મળ્યા છે, જે લેક્લકે ઇટલીમાં પૂરમાં ભોગ બનેલા લોકોની મદદ માટે આપી દીધા છે.

uefa champions league manchester city inter milan football formula one sports sports news