News In Shorts: સાનિયા-નાદિયાની જોડી ડબલ્સની સેમી ફાઇનલમાં પહોંચી

07 January, 2022 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રમત-ગતમ ક્ષેત્રના મહત્વના સમાચાર સરળ ભાષામાં અને ટૂંકમાં વાંચો એક ક્લિકમાં

સાનિયા-નાદિયા

સાનિયા-નાદિયાની જોડી ડબલ્સની સેમી ફાઇનલમાં પહોંચી

ભારતની સાનિયા મિર્ઝા અને યુક્રેનની તેની પાર્ટનર નાદિયા કિચનૉક ગઈ કાલે ઍડીલેડ ઇન્ટરનૅશનલ ડબ્લ્યુટીએ ઇવેન્ટની ડબલ્સની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. તેમણે ક્વૉર્ટરમાં અમેરિકાની શેલ્બી રૉજર્સ અને બ્રિટનની હીધર વૉટ્સનને ૬-૦, ૧-૬ ૧૦-૫થી હરાવી હતી. સેમીમાં સાનિયા-નાદિયાનો મુકાબલો ઑસ્ટ્રેલિયાની ઍશ્લેઇ બાર્ટી અને સ્ટૉર્મ સૅન્ડર્સ સાથે થવાનો છે. બાર્ટી સિંગલ્સની વર્લ્ડ નંબર-વન છે, પણ ડબલ્સના રૅન્કિંગ્સમાં તે છેક ૧૦૨ નંબર પર છે.

એશિયન કપ માટે ફુટબૉલ ટીમ પૂરી તૈયાર ઃ અદિતિ

આગામી ૨૦ જાન્યુઆરીથી મુંબઈ અને પુણેમાં ૨૦૨૩ના મહિલાઓના ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ માટેની ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટ ગણાતી એએફસી એશિયન કપ સ્પર્ધા યોજાશે, જેમાં ૧૨ ટીમો ભાગ લેશે. એ સંબંધમાં ભારતીય ટીમની ગોલકીપર અદિતિ ચૌહાણે ગઈ કાલે કોચીમાં કહ્યું હતું કે ‘નવા સ્ટ્રેન્ગ્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ સ્વીડનનાં જેન ટોર્નક્વિસ્ટની દેખરેખમાં છેલ્લા બે મહિનાથી ભારતીય ટીમની ખેલાડીઓને જે તાલીમ અપાઈ રહી છે એનાથી ટીમને ઘણો ફાયદો થયો છે.’ જેન સ્વીડન વતી ભૂતકાળમાં થૉમસ ડેનર્બી કોચિંગમાં રમ્યાં હતાં અને થૉમસ અત્યારે ભારતની મહિલા ટીમનાં હેડ-કોચ છે.

દાદીના સપોર્ટથી ફુટબૉલર મનીષાની કરીઅરની ટોચે

૨૦ જાન્યુઆરીથી મુંબઈ-પુણેમાં રમાનારી મહિલાઓની એશિયન કપ ટુર્નામેન્ટની ડિફેન્ડર મનીષા પન્ના ખૂબ સંઘર્ષ કરીને ભારતીય ટીમ સુધી પહોંચી છે. તે નાની હતી ત્યારે તેનાં મમ્મી-પપ્પા ગુજરી ગયાં હતાં અને એ પછી દાદીએ તેનો ઉછેર કર્યો હતો. ઓડિશામાં રુરકેલા નજીકના ડાંડિયાપલી ગામની મનીષાને પાડોશીઓ-સગાંસંબંધીઓએ ફુટબૉલની રમતમાં કરીઅર ન બનાવવા સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને તેની દાદીએ આ કારકિર્દી માટે ખૂબ પ્રેરિત કરી અને ટોચના સ્તર સુધી પહોંચાડી હતી. હવે મનીષા પોતાના ગામને ગૌરવ અપાવી રહી છે.

sports news badminton news