News In Shorts : પાકિસ્તાનની ફુટબૉલ ટીમ ભારત આવશે

09 June, 2023 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે અને ૨૧ જૂનની પહેલી જ મૅચ તેમની વચ્ચે રમાશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પાકિસ્તાનની ફુટબૉલ ટીમ ભારત આવશે

૨૧ જૂનથી ૪ જુલાઈ દરમ્યાન બૅન્ગલોરમાં સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (એસએએફએફ-સાફ)ના બૅનર હેઠળ સાફ કપ નામની જે ફુટબૉલ સ્પર્ધા રમાવાની છે એ માટે ભારત સરકારે પાકિસ્તાનને પોતાની ફુટબૉલ ટીમ મોકલવાની મંજૂરી આપી દીધી છે. આઠ દેશો વચ્ચેની આ ટુર્નામેન્ટમાં કુલ ૮ દેશની ટીમ ભાગ લેશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે અને ૨૧ જૂનની પહેલી જ મૅચ તેમની વચ્ચે રમાશે. પાંચ વર્ષમાં પહેલી વાર ભારત-પાકિસ્તાનના ફુટબોલર્સ આમને-સામને આવશે.

કેદાર જાધવ કોલ્હાપુર ટસ્કર્સનો આઇકન પ્લેયર, નૌશાદ સૌથી મોંઘો

આગામી ૧૫થી ૨૯ જૂન સુધી રમાનારી મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ માટેની કોલ્હાપુર ટસ્કર્સ ટીમે ભારત વતી ૭૩ વન-ડે અને ૯ ટી૨૦ રમી ચૂકેલા કેદાર જાધવને આઇકન પ્લેયર બનાવ્યો છે. કેદાર ૨૦૧૮માં ચેન્નઈ આઇપીએલની ટ્રોફી જીત્યું ત્યારે તે ચેન્નઈની ટીમમાં હતો. કોલ્હાપુરે ગઈ કાલે ઑફ-સ્પિનિંગ ઑલરાઉન્ડર નૌશાદ શેખને ૬ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને તે આ સ્પર્ધાનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. અંકિત બાવણેને ૨.૮૦ લાખ રૂપિયામાં મેળવવામાં આવ્યો હતો.

શ્રીકાંત હાર્યો, સિંગાપોરમાં ભારતના પડકારનો અંત

સિંગાપોર માસ્ટર્સ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ગઈ કાલે કિદામ્બી શ્રીકાંત ચાઇનીઝ તાઇપેઇના ચિઆ હાઓ લી સામે સ્ટ્રેઇટ સેટમાં હારી જતાં આ સ્પર્ધામાં ભારતના પડકારનો અંત આવ્યો હતો. શ્રીકાંત ફક્ત ૩૭ મિનિટમાં ૧૫-૨૧, ૧૯-૨૧થી હારી ગયો હતો. એ પહેલાં, ઊભરતો ખેલાડી પ્રિયાંશુ રાજાવત નારાઓકા સામે ૧૭-૨૧, ૧૬-૨૧થી પરાજિત થયો હતો. નારાઓકાએ એ પહેલાં ભારતના એચ. એસ. પ્રણોયને હરાવ્યો હતો. વિમેન્સની ડિફેન્ડિંગ ચૅમ્પિયન પી. વી. સિંધુ પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઈ હતી. લક્ષ્ય સેન તેમ જ સાઇના નેહવાલ અને ભારતના ડબલ્સના પ્લેયર્સ પણ સ્પર્ધાની બહાર થઈ ગયા છે.

football pakistan all india football federation sports news sports kedar jadhav cricket news