04 July, 2023 12:44 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
સુનીલ છેત્રી
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત બૅન્ગલોરમાં આજે ‘સાફ’ ફુટબૉલ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં કુવૈતની મજબૂત ટીમ સામે રમશે. ભારતને નવમી વખત ટ્રોફી જીતવાનો મોકો છે. જોકે લીગ મૅચમાં કુવૈત સામે ૧-૧થી મૅચ ડ્રૉમાં ગઈ એ જોતાં બૅન્ગલોર ફુટબૉલ ક્લબ સાથે ગઈ કાલે કૉન્ટ્રૅક્ટ લંબાવનાર સુનીલ છેત્રીના સુકાનમાં ભારતે આજે આ ટીમ સામે ભારે સંઘર્ષ કરવો પડશે. મુખ્ય ડિફેન્ડર સંદેશ ઝિંગાન આજે પાછો રમવા આવી રહ્યો છે. પાકિસ્તાન અને કુવૈત સામેની મૅચમાં કુલ બે યલો કાર્ડ થઈ જતાં તેણે લેબૅનન સામેની સેમીમાં બહાર રહેવું પડ્યું હતું. કોચ ઇગૉર સ્ટિમૅકે પાકિસ્તાન સામેની મૅચમાં હરીફ ટીમના ખેલાડીને બૉલ ફેંકતો રોક્યો એ બદલ શિસ્ત પગલાં સમિતિએ સ્ટિમૅક પર બે મૅચનો બૅન મૂક્યો છે.
૨૦ જુલાઈએ ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં મહિલાઓનો ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ શરૂ થશે અને એ માટેની સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ મૅચ-ફી તથા અન્ય મુદ્દે હડતાળ પર ઊતરી જતાં બોટ્સવાના સામે રવિવારે જે ફ્રેન્ડ્લી મૅચ રમાઈ એ માટેની ‘બી’ ટીમમાં સાઉથ આફ્રિકન ટીમ મૅનેજમેન્ટે ૧૩ વર્ષની છોકરીને સામેલ કરવી પડી હતી. મુખ્ય ટીમ અચાનક સ્ટ્રાઇક પર જતાં સ્થાનિક ક્લબોની પ્લેયર્સને બોલાવીને ટીમ બનાવવી પડી હતી. આ ટીમ બોટ્સવાના સામે ૦-૫થી હારી ગઈ હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા હેડ-કોચ બનાવવા હાલમાં સિલેક્શન ટ્રાયલ ચાલી રહી છે, જેમાં ઉમેદવારોમાં ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટી (સીએસી)ના મેમ્બર્સ ડોમેસ્ટિક ક્રિકેટના દિગ્ગજ અમોલ મુઝુમદારના ૯૦ મિનિટના પ્રેઝન્ટેશનથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. સીએસીમાં અશોક મલ્હોત્રા, જતીન પરાંજપે અને સુલક્ષણા નાઈકનો સમાવેશ છે. અગાઉ ભારતીય મહિલા ટીમના હેડ-કોચ બની ચૂકેલા તુષાર આરોઠે તેમ જ ડર્હામના ભૂતપૂર્વ કોચ જૉન લુઇસના પણ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે. જો અમોલના નામની જાહેરાત કરવામાં આવશે તો તેઓ બંગલાદેશના પ્રવાસથી હેડ-કોચ તરીકેની શરૂઆત કરશે.
ટેનિસની સૌથી લોકપ્રિય ગ્રૅન્ડ સ્લૅમ વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે પ્રથમ દિવસે વર્લ્ડ નંબર-વન પોલૅન્ડની ઇગા સ્વૉન્ટેકે વિશ્વની ૩૪મા ક્રમની ચીની ખેલાડી ઝુ લિનને ૬-૧, ૬-૩થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. સ્વૉન્ટેક આ સ્પર્ધામાં ક્યારેય ચોથા રાઉન્ડથી આગળ નહોતી વધી, પણ આ વખતે ટ્રોફી જીતવા માટે ફેવરિટ ગણાય છે.
બે ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકેલી વિક્ટોરિયા અઝરેન્કા ચીનની યુએ યુઆન સામે ૬-૪, ૫-૭, ૬-૪થી જીતી હતી, જ્યારે ફોર્થ-સીડેડ જેસિકા પેગુલાએ પણ સેકન્ડ રાઉન્ડમાં પહોંચવા સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે અમેરિકાની લૉરેન ડેવિસને ૬-૨, ૮-૧૦, ૬-૩થી હરાવી હતી.
ગૉલમાં ગઈ કાલે મહિલાઓની વન-ડેમાં અનોખી ઘટના બની હતી. વરસાદના વિઘ્નવાળી આ મૅચમાં ન્યુ ઝીલૅન્ડ વિમેન ટીમે ૩૧ ઓવરની કરવામાં આવેલી મૅચમાં ૩૧ ઓવરમાં બે વિકેટે ૧૨૭ રન બનાવ્યા હતા. જોકે ડકવર્થ/લુઇસ મેથડ મુજબ શ્રીલંકા વિમેન ટીમને જીતવા માટે ૨૯ ઓવરમાં ૧૯૬ રન બનાવવાનું કહેવાયું હતું. શ્રીલંકાએ કૅપ્ટન ચમારી અથાપથ્થુ (૧૪૦ અણનમ, ૮૦ બૉલ, ૯ સિક્સર, ૧૩ ફોર)ની ધમાકેદાર સદીની મદદથી ૨૬.૫ ઓવરમાં બે વિકેટે ૧૯૬ રન બનાવી લીધા હતા.