ડાયમન્ડ લીગ ફાઇનલમાં સ્ટાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાએ રનર-અપ તરીકે હૅટ-ટ્રિક કરી

30 August, 2025 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત ૨૬મી ઇવેન્ટમાં ટૉપ-ટૂ રહ્યો, જર્મનીનો જુલિયન વેબર પહેલી વાર ડાયમન્ડ લીગ ટ્રોફી જીત્યો 

જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા

સ્વિટ્ઝરલૅન્ડના ઝ્‍યુરિકમાં આયોજિત ડાયમન્ડ લીગ ફાઇનલમાં ભારતનો સ્ટાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા ૮૪.૩૫ મીટરના થ્રો સાથે બીજા ક્રમે રહ્યો છે. તેણે આ લીગની ફાઇનલમાં રનર-અપ બનવાની હૅટ-ટ્રિક કરી છે. બે વખત ૯૦ મીટરનો થ્રો કરનાર જર્મનીનો જુલિયન વેબર ૯૧.૫૭ મીટરના થ્રો સાથે પોતાની પહેલી ડાયમન્ડ ટ્રોફી જીત્યો છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગ્રેનાડાનો ઍન્ડરસન પીટર્સ ૮૨.૦૬ મીટર સાથે ચોથા સ્થાને રહ્યો છે.

ડાયમન્ડ લીગ ફાઇનલમાં નીરજે પોતાના ૬ પ્રયાસમાં અનુક્રમે ૮૪.૩૫ મીટર, ૮૨ મીટર, ફાઉલ, ફાઉલ, ફાઉલ અને ૮૫.૦૧ મીટરનો થ્રો કર્યો હતો. ૨૦૨૨નો ડાયમન્ડ લીગ ચૅમ્પિયન  ચોપડા ૨૦૨૩ અને ૨૦૨૪ની ફાઇનલમાં પણ રનર-અપ રહ્યો હતો. આ સાથે તે સતત ૨૬મી ઇવેન્ટમાં ટૉપ-ટૂમાં રહ્યો છે. છેલ્લે તે ૨૦૨૧માં કુઓર્ટેન ગેમ્સમાં ટૉપ-ટૂની બહાર ત્રીજા ક્રમે રહ્યો હતો. 

neeraj chopra sports sports news