બીજી વાર યુએસ ઓપન જીતી નાઓમી ઓસાકા

14 September, 2020 12:33 PM IST  |  New York | IANS

બીજી વાર યુએસ ઓપન જીતી નાઓમી ઓસાકા

નાઓમી ઓસાકા

યુએસ ઓપન મહિલા એકલ વર્ગમાં જપાનની પ્લેયર નાઓમી ઓસાકાએ વિક્ટોરિયા અઝરેન્કાને ૧-૬, ૬-૩, ૬-૩થી પરાજય આપીને મહિલા એકલ વર્ગનો યુએસ ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ઓસાકાનું આ બીજું યુએસ ઓપન અને ત્રીજું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે. પહેલો સેટ હારી ગયા બાદ અંતિમ બે સેટમાં ઓસાકાએ કમબૅક કરીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. અગાઉ ૧૯૯૪માં સ્પેનની અરાન્કા સાંચેઝે પણ પહેલો સેટ હાર્યા બાદ સ્ટેફી ગ્રાફને હરાવીને ફાઇનલ જીતી લીધી હતી.
મૅચ જીત્યા બાદ ઓસાકાએ કહ્યું કે ‘ટેનિસ કોર્ટમાં હું મારી ગેમ પર કન્ટ્રોલ રાખવા માગતી હતી. ૨૦૧૮ની ફાઇનલમાં પણ મેં આમ જ કર્યું હતું. મને એવું લાગી રહ્યું છે કે આ વખતે પણ હું એવી જ રમત રમી હતી. પહેલો સેટ હારી ગયા બાદ હું ઘણી નર્વસ થઈ ગઈ હતી. મને લાગ્યું કે હું મારું બેસ્ટ નથી રમી રહી. એ વખતે મારા મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી. પહેલો સેટ જલદીથી હારી જતાં મને ઘણું દુઃખ થઈ રહ્યું હતું.’

tennis news us open