નડાલે બનાવ્યો ૧૩મી વખત ફ્રેન્ચ ઓપન જીતવાનો રેકૉર્ડ

12 October, 2020 06:26 PM IST  |  Paris | IANS

નડાલે બનાવ્યો ૧૩મી વખત ફ્રેન્ચ ઓપન જીતવાનો રેકૉર્ડ

નડાલ

પૅરિસમાં રમાયેલી ફ્રેન્ચ ઓપનમાં ગઈ કાલે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સ્પેનના રાફેલ નડાલે સર્બિયાના નોવાક જૉકોવિચને સીધા સેટમાં ૬-૦, ૬-૨, ૭-૫થી હરાવીને ૧૩મી વખત ફ્રેન્ચ ઓપન જીત્યું હતું. આ સાથે જ તેણે ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ જીતવાના રોજર ફેડરરના રેકૉડની પણ બરાબરી કરી હતી. વળી અહીંના મેદાનમાં કુલ ૧૦૦ મૅચ જીતવાનો રેકૉર્ડ પણ તેણે બનાવ્યો હતો. સાવ એકતરફી બની ગયેલી આ ફાઇનલમાં હરીફ જૉકોવિચને હરાવવામાં ગઈ કાલે તેણે ૨ કલાક અને ૪૩ મિનિટ લીધી હતી.
જીત બાદ નડાલે કહ્યું હતું કે ‘મારા માટે જીત જ સર્વસ્વ હતી. ફેડરર સાથેના રેકૉર્ડની સરખામણી પણ મનમાં નહોતી. મારા માટે અહીં વિજય મહત્ત્વનો હતો.’ નડાલ ગઈ કાલે જોરદાર ફૉર્મમાં હતો. તેને રોકવો જૉકોવિચ માટે અશક્ય જ વાત હતી. નડાલે વધુમાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયન ઓપનમાં જૉકોવિચે મને ઘણી વખત હરાવ્યો છે. આજે મારો દિવસ હતો. રમતમાં એક દિવસ એક ખેલાડી તો બીજા દિવસે બીજો ખેલાડી જીતે છે.’
નડાલ કોઈ પણ ટુર્નામેન્ટમાં ૧૩ વખત ગ્રેન્ડ સ્લેમ જીતનારો પહેલો ખેલાડી બન્યો હતો. અગાઉ માર્ટીના નવરોતીલાવા ૧૨ વખત એક જ ટુર્નામેન્ટમાં જીતી છે. નડાલે સ્પેનના રાફેલ નડાલે ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦ માં આ ટાઇટલ જીત્યું છે.

rafael nadal tennis news