ઑલિમ્પિકમાં ગોલ્ડ નહીં જીતું ત્યાં સુધી હાર નહીં માનું: મૅરી કૉમ

02 April, 2020 04:48 PM IST  |  New Delhi | Agencies

ઑલિમ્પિકમાં ગોલ્ડ નહીં જીતું ત્યાં સુધી હાર નહીં માનું: મૅરી કૉમ

મૅરી કૉમ

મૅરી કૉમનું કહેવું છે તે જ્યાં સુધી ઑલિમ્પિકમાં ગોલ્ડ ન જીતે ત્યાં સુધી તે શાંત નહીં રહે. તે છ વાર વર્લ્ડ ચૅમ્પિયન રહી ચૂકી છે અને ઑલિમ્પિક્સ ગેમ્સ માટે સખત મહેનત કરી રહી છે. જોકે વધતી ઉંમરની સાથે તેના માટે આ પડકાર પણ મોટો છે તેમ છતાં પોતાના મક્કમ આત્મવિશ્વાસ સાથે તે હાર માનવા તૈયાર નથી. મૅરી કૉમે ૨૦૧૨ લંડન ઑલિમ્પિક્સમાં ૫૧ કિલોગ્રામની કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. જોકે ૨૦૧૬ની રિયો ઑલિમ્પિક્સ માટે તે ક્વૉલિફાઈ થઈ શકી નહોતી. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા સાથે થયેલી એક વાતચીતમાં પોતાની વાત મૂકતાં મૅરી કૉમે કહ્યું કે ‘મારું ધ્યાન ઑલિમ્પિક્સ ગેમ્સમાં ઇન્ડિયા માટે ગોલ્ડ જીતવાનું છે. આ ઉંમરે પણ હું એ માટે સખત મહેનત કરી રહી છું. આવતા વર્ષે મોકૂફ થયેલી ઑલિમ્પિક્સમાં પહેલા ક્રમે ક્વૉલિફાઈ થવું મારા માટે અઘરું છે. વર્લ્ડ ચૅમ્પિયનશિપ કે ઑલિમ્પિક્સ જીતવા માટે કોઈ સિક્રેટ મંત્ર નથી. હું લડતી રહીશ અને જ્યાં સુધી ઑલિમ્પિકમાં ગોલ્ડ નહીં જીતું ત્યાં સુધી હાર નહીં માનું.’

થોડા સમયમાં ટોક્યો ઑલિમ્પિક માટે ક્વૉલિફાઈ થઈને ભારત પાછી ફરેલી મૅરી કૉમ હાલમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે અને સાથે-સાથે ઑલિમ્પિક્સ માટેની તૈયારીઓ પણ કરી રહી છે. પોસ્ટપોન્ડ થયેલી ટોક્યો ગેમ્સ હવે ૨૦૨૧ની ૨૩ જુલાઈથી ૯ ઑગસ્ટ સુધી રમાશે. મૅરી કૉમે કોરોના સામેની જંગમાં પોતાનો એક મહિનાનો પગાર પણ પ્રાઇમ મિનિસ્ટર નૅશનલ રિલીફ ફંડમાં ડોનેટ કર્યો છે અને સંસદસભ્ય હોવાને લીધે તેણે એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમમાંથી એક કરોડ રૂપિયા પણ રિલીઝ કર્યા છે.

mary kom coronavirus boxing sports news