ઇન્ટરનૅશનલ ઑનલાઇન ચેસમાં મુંબઈનો જૈસલ શાહ અપરાજિત અને અવ્વલ

22 January, 2022 10:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે સૌથી વધુ ૭ પૉઇન્ટ સાથે ગોલ્ડન ટ્રોફી જીત્યો હતો.

ઇન્ટરનૅશનલ ઑનલાઇન ચેસમાં મુંબઈનો જૈસલ શાહ અપરાજિત અને અવ્વલ

મુંબઈનો ૧૨ વર્ષનો ચેસ-સ્ટાર જૈસલ શાહ ઇન્ડિયન ઑલિમ્પિક ટીમની સત્તાવાર પાર્ટનર એસ.એફ.એ. દ્વારા આયોજિત તમામ વય-જૂથના પ્લેયરો માટેની ‘એસએફએપ્લેડૉટકૉમ ઑનલાઇન ચેસ ચૅમ્પિયનશિપ ૫.૦’માં ગુરુવારે અપરાજિત રહ્યો હતો અને અવ્વલ આવ્યો હતો. તે સૌથી વધુ ૭ પૉઇન્ટ સાથે ગોલ્ડન ટ્રોફી જીત્યો હતો. બીજા નંબરના વિજેતા અન્વેશના ૬ તથા ‘આલ્ફા વૉરિયર’ના નામે રમતા ત્રીજા સ્પર્ધકના પાંચ પૉઇન્ટ હતા.
આગલા દિવસે જૈસલ ચેસનટ ઍકૅડેમી ટીમ હેઠળ ‘વર્લ્ડવાઇડ ઑનલાઇન ચેસ અન્ડર-૧૨ એશિયા ટીમ બૅટલ’ નામની સ્પર્ધામાં પોતાની ટીમનો લીડર હતો અને તેની ટીમ એશિયામાં ત્રીજા નંબરે રહી હતી. એ ઉપરાંત જૈસલ વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ સ્થાને રહ્યો હતો. તે ફિલિપીન્સ, મલેશિયા અને રશિયાના ખેલાડીઓ સામે રમ્યો હતો. એકમાત્ર જૈસલ આ સ્પર્ધામાં અપરાજિત રહ્યો હતો. 

sports news chess