ઑસ્ટ્રેલિયન ઓપન ૨૦૨૧: નંબર-વન ઍશ બાર્ટી આઉટ નદાલનું સપનું તૂટ્યું

18 February, 2021 02:01 PM IST  |  Melbourne | Agency

ઑસ્ટ્રેલિયન ઓપન ૨૦૨૧: નંબર-વન ઍશ બાર્ટી આઉટ નદાલનું સપનું તૂટ્યું

ઍશ બાર્ટી અને નડાલ

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે બે મોટા અપસેટ જોવા મળ્યા હતા. મહિલા નંબર-વન ખેલાડી ઑસ્ટ્રેલિયાની ઍશ બાર્ટી અને પુરુષોમાં વર્લ્ડ નંબર-ટૂ અને ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા સ્પેનનો રાફેલ નદાલ ક્વૉર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગયાં હતાં. બાર્ટીને કૅરોલિના મુચોવાએ ૧-૬, ૬-૩, ૬-૩થી હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધી હતી. આ સાથે બાર્ટીનું ૧૯૭૮ બાદ ઑસ્ટ્રેલિયન ઓપન જીતનાર ઑસ્ટ્રેલિયન મહિલા ખેલાડી બનવાનું સપનું તૂટી ગયું હતું. બીજી તરફ પુરુષોમાં રોજર ફેડરરના ૨૧ ગ્રૅન્ડ સ્લૅમ જીતના રેકૉર્ડની બરોબરી માટે કટીબદ્ધ નદાલને પાંચ સેટના સંઘર્ષપૂર્ણ મુકાબલમાં હાર જોવી પડી હતી. પહેલા બે સેટ જીત્યા બાદ નદાલ ફસડી પડ્યો હતો અને સ્ટોફાનોસ સિટિસીપાસ સામે ૬-૩, ૬-૨, ૬-૭, ૪-૬, ૫-૭થી હારી ગયો હતો.

મહિલાઓમાં આ સાથે આજની બન્ને સેમી ફાઇનલ લાઇનઅપ નક્કી થઈ ગઈ હતી. પહેલી સેમીમાં સેરેના વિલિયમ્સનો મુકાબલો નાઓમી ઓસાકા સામે થશે, જ્યારે બીજીમાં બાર્ટીને હરાવનાર કૅરોલિના મુચોવાની ટક્કર જૅનિફર બ્રાડી સામે થશે. પુરુષોમાં આજે ક્વૉર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચની ટક્કર રશિયન ક્વૉલિફાયર એસ્લન કરાત્સેવ સામે થશે.

rafael nadal tennis news sports news