21 November, 2023 03:31 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઍમ્બપ્પે
ફ્રાન્સનો ફુટબૉલ પ્લેયર કીલિયાન ઍમ્બપ્પે કરીઅરના ૩૦૦ ગોલ કરવામાં તેના યુગના બે લેજન્ડરી ફુટબૉલર લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરતાં ઝડપી છે. શનિવારે રાતે ઍમ્બપ્પેએ કારકિર્દીમાં ગોલની ૧૭મી હૅટ-ટ્રિક નોંધાવી હતી. તેના આ તરખાટ સાથે ફ્રાન્સે ૨૦૨૬ વર્લ્ડ કપ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં જિબ્રાલ્ટરને ૧૪-૦થી હરાવ્યું હતું. ઍમ્બપ્પેની શનિવારે ૨૪ વર્ષ, ૧૦ મહિના, ૨૯ દિવસની ઉંમર હતી. મેસીએ ૨૦૧૨માં ૨૫ વર્ષ, ૪ મહિના, ત્રણ દિવસની ઉંમરે ૩૦૦મો ગોલ કર્યો હતો, જ્યારે રોનાલ્ડોએ જીવનના ૨૭મા વર્ષમાં ૩૦૦મો ગોલ કર્યો હતો.
સર્બિયાના નોવાક જૉકોવિચે રવિવારે ઇટલીના યાનિક સિનરને ફાઇનલમાં ૬-૩, ૬-૩થી હરાવીને સતત સાતમી સીઝનમાં એટીપી ફાઇનલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. જૉકોવિચ આ મૅચમાં એક તબક્કે એકધારા ૧૪ પૉઇન્ટ જીત્યો હતો. જૉકોવિચ સતત આઠમી વખત વર્ષના અંતે નંબર-વનના રૅન્ક પર છે, જે વિશ્વવિક્રમ છે. તેનું નંબર-વન તરીકેનું ૪૦૦મું અઠવાડિયું છે અને આ સિદ્ધિ મેળવનાર પણ તે એકમાત્ર ટેનિસ ખેલાડી છે. એકમાત્ર રૉજર ફેડરર ૩૦૦-પ્લસ અઠવાડિયાં નંબર-વન પર હતો અને જૉકોવિચ ઘણા સમય પહેલાં તેનો રેકૉર્ડ તોડીને ૪૦૦ના મૅજિક ફિગર પર પહોંચી ગયો છે.
ભુવનેશ્વરમાં આજે ભારતની ૨૦૨૬ના ફિફા વર્લ્ડ કપની બીજી ક્વૉલિફાઇંગ મૅચ કતાર સામે છે. ચાર વર્ષ પહેલાં ભારતે એશિયન ચૅમ્પિયન કતાર સામેની મૅચ ૦-૦થી ડ્રૉ કરાવી હતી અને એ મુકાબલા પરથી પ્રેરણા લઈને ભારત આજે એને હરાવવા કોઈ કસર નહીં છોડે. પાંચ દિવસ પહેલાં ભારતે પ્રથમ ક્વૉલિફાઇંગ મુકાબલામાં કુવૈતને ૧-૦થી હરાવીને હકારાત્મક શરૂઆત કરી હતી.
વર્લ્ડ કપમાં આઠમા નંબરે આવનાર બંગલાદેશની ટીમનો કૅપ્ટન શાકિબ-અલ-હસન રાજકારણમાં પ્રવેશ્યો છે. તેણે આગામી સામાન્ય ચૂંટણીમાં દેશનાં પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીનાની પાર્ટી બંગલાદેશ અવામી લીગ માટે આ પક્ષ પાસે નૉમિનેશન માગ્યું છે. મોટા ભાગના વિપક્ષો આ ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે. શેખ હસીના ૧૫ વર્ષથી શાસનમાં છે અને તેઓ પોલાદી હાથે શાસન ચલાવી રહ્યાં હોવાનો તેમના પર આક્ષેપ છે. શાકિબ આંગળીના ફ્રૅક્ચરને કારણે ન્યુ ઝીલૅન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં નથી રમવાનો.