વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં મંજુ રાનીને સિલ્વર મેડલ

14 October, 2019 09:57 AM IST  |  મુંબઈ

વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં મંજુ રાનીને સિલ્વર મેડલ

મંજુ રાનીએ જીત્યો સિલ્વર

ભારતીય મહિલા બૉક્સર મંજુ રાની માટે તેની પ્રથમ વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ યાદગાર બની રહી છે. મંજુ રાનીએ ૪૮ કિલોગ્રામ કૅટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં તેનો રશિયાના એક્ટેરિના પાલ્ટકેવા સામે ૧-૪થી પરાજય થયો હતો. સેટ પ્રમાણે મંજુ ૨૯-૨૮, ૨૯-૨૮, ૨૯-૨૮, ૨૮-૨૯ અને ૨૯-૨૮થી હારી ગઈ હતી.

પ્રથમ રાઉન્ડમાં બન્ને બૉક્સર મજબૂત દેખાઈ રહી હતી અને આક્રમક મૂડમાં હતી. રશિયન ખેલાડી પ્રથમ ત્રણ મિનિટમાં પ્રભુત્વ મેળવવામાં સફળ રહી હતી. બીજા રાઉન્ડમાં ભારતીય બૉક્સરે કેટલાક દમદાર પંચ માર્યા હતા અને તેનું પલડું ભારે જોવા મળી રહ્યું હતું. જોકે અંતિમ ત્રણ મિનિટમાં બન્ને બૉક્સરે સાવચેતી દાખવી હતી, પરંતુ અંતે રશિયન બૉક્સરે આક્રમકતા દાખવીને મૅચ અને ગોલ્ડ મેડલ બન્ને જીતી લીધાં હતાં.
રાની આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી એકમાત્ર ભારતીય બૉક્સર હતી. ૬ વખતની ચૅમ્પિયન એમસી મૅરીકૉમ (૫૧ કિલોગ્રામ), જામુના બોરો (૫૪ કિલોગ્રામ) અને લવલિના બોર્ગોહેઇન (૬૯ કિલોગ્રામ) સેમી ફાઇનલમાં હારી જતાં તેમને બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતે આ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં કુલ ચાર મેડલ મેળવ્યા છે.
મંજુની આ જીત બદલ ખેલપ્રધાન કિરેન રિજિજુએ તેને શુભેચ્છા આપી હતી.

sports news