ભારતમાં ‘મેસીનું મૅજિક’ થતાં થતાં રહી ગયું!

21 June, 2023 01:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ ભારતમાં રમવા આવવાની હતી, પણ તેમની ૩૨થી ૪૦ કરોડ રૂપિયાની મસમોટી ફી ભારતના ફેડરેશનને પરવડી નહીં અને એ મોકો જતો કરવો પડ્યો

આર્જેન્ટિનાની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ

વિશ્વનો ગ્રેટેસ્ટ ફુટબોલર લિયોનેલ મેસી આર્જેન્ટિનાની તેની વર્લ્ડ ચૅમ્પિયન ટીમને લઈને ભારત આવે એવી સંભાવના હતી, પરંતુ આર્જેન્ટિનાએ કરેલી ઑફરને ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશન (એઆઇએફએફ) સ્વીકારી શકે એવી સ્થિતિમાં ન હોવાથી ભારતના કરોડો ફુટબૉલ ચાહકોએ ભારતની ધરતી પર મેસીના મૅજિકથી વંચિત રહેવું પડ્યું છે.
એક અખબારી અહેવાલ મુજબ એઆઇએફએફના સેક્રેટરી જનરલ શાજી પ્રભાકરનના જણાવ્યા મુજબ આર્જેન્ટિના ફુટબૉલ અસોસિએશને ભારતમાં આર્જેન્ટિનાની અન્ય એક દેશ સામેની ફ્રેન્ડ્લી ફુટબૉલ મૅચ રાખવાની ઑફર કરી હતી. ભારતમાં ફુટબૉલની રમતમાં યુવા વર્ગનો વધી રહેલો ઉત્સાહ જોતાં તેમ જ ૨૦૨૨ના ફિફા વર્લ્ડ કપમાં ભારતમાંથી આર્જેન્ટિનાની ટીમને જે પ્રચંડ સપોર્ટ મળ્યો હતો એને ધ્યાનમાં લઈને આર્જેન્ટિનાનું અસોસિએશન પોતાની ટીમ ભારત મોકલવા માગતું હતું, પરંતુ કહેવાય છે કે મેસીના સમાવેશવાળી ‘મોસ્ટ-ઇન-ડિમાન્ડ’ આર્જેન્ટિનાની ટીમ ૩૨ કરોડ રૂપિયાથી ૪૦ કરોડ રૂપિયાની મસમોટી ફી ઇચ્છતી હોવાથી એઆઇએફએફે એ ઑફર નકારવી પડી છે.
ભારત ક્રિકેટ-ક્રેઝી દેશ છે. ભારતમાં ક્રિકેટની રમત ધર્મની જેમ પૂજાય છે, પરંતુ અન્ય અનેક રમતોની જેમ હવે ફુટબૉલની રમત પણ ખૂબ લોકપ્રિય થઈ રહી છે. જોકે એકાદ-બે મૅચ માટે કરોડો રૂપિયાનો ખર્ચ હજી ભારતીય ફુટબૉલ ક્ષેત્રને પરવડી શકે એમ નથી. શાજી પ્રભાકરનના મતે જો મેસી તેની ટીમને લઈને ભારત આવ્યો હોત તો અહીં કરોડો ફુટબૉલપ્રેમીઓના આનંદનો કોઈ પાર ન રહ્યો હોત, પરંતુ ભારત અને આર્જેન્ટિના વચ્ચે જો એક્ઝિબિશન મૅચ પણ રાખવામાં તો એ અસંતુલિત કહેવાત, કારણ કે આર્જેન્ટિના અત્યારે વર્લ્ડ ચૅમ્પિયન તથા વર્લ્ડ નંબર-વન છે, જ્યારે ભારત ફિફા રૅન્કિંગમાં ૧૦૧મા નંબરે છે. જોકે શાજી પ્રભાકરન આર્જેન્ટિના ફુટબૉલ અસોસિએશન સાથે અથવા એ દેશની અમુક ક્લબો સાથેના સંબંધો ગાઢ બનાવવા ઉત્સુક છે.

lionel messi all india football federation football sports sports news