પહેલી વખત વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચ્યો ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ

11 July, 2026 09:42 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બીજી સેમી-ફાઇનલમાં નોવાક જૉકોવિચ સામે ૬-૪, ૬-૪ ,૬-૪થી જીત્યો યાનિક સિનર

વિમ્બલ્ડનમાં મેન્સ સિંગલ્સની સેમી-ફાઇનલ મૅચ જોવા પહોંચ્યાં હતાં શુભમન ગિલ, સચિન તેન્ડુલકર અને અંજલિ તેન્ડુલકર.

જર્મનીનો ૨૯ વર્ષનો ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ પહેલી વખત વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યો છે. તેણે ગઈ કાલે બ્રિટનના ૨૩ વર્ષના આર્થર ફેરી સામે ૭-૬, ૬-૨, ૬-૪થી શાનદાર જીત નોંધાવી હતી. ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ ૨૦૨૦માં યુએસ ઓપન અને ૨૦૨૫માં ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં હાર્યો હતો. ૨૦૨૬માં તેણે ફ્રેન્ચ ઓપન જીતીને પોતાની કરીઅરનું પહેલું ગ્રૅન્ડ સ્લૅમ જીત્યું હતું.

૧૨ જુલાઈએ ફાઇનલમાં તેની ટક્કર યાનિક સિનર સામે થશે.

ચેક રિપબ્લિકની બે ખેલાડીઓ વચ્ચે આજે વિમેન્સ સિંગલ્સ ફાઇનલ

ભારતીય સમય અનુસાર આજે રાતે ૮.૩૦ વાગ્યાથી મહિલા સિંગલ્સ ફાઇનલ શરૂ થશે. નવમા ક્રમાંકની લિન્ડા નોસ્કોવા અને દસમો રૅન્ક ધરાવતી કૅરોલિના મુચોવા વચ્ચે રસાકસીની જંગ જામશે. બન્ને ખેલાડીઓ વિમ્બલ્ડનમાં પહેલી વખત ફાઇનલ મૅચ રમશે અને પહેલી વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતવાનો પ્રયાસ કરશે. ૨૧ વર્ષની લિન્ડા પહેલી વખત જ કોઈ ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ રમશે. ૨૯ વર્ષની કૅરોલિના ૨૦૨૩માં ફ્રેન્ચ ઓપનમાં પહેલી વખત ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ રમીને હારી હતી. તે ઑસ્ટ્રેલિયન ઓપનમાં એક વખત અને યુએસ ઓપનમાં બે વખત સેમી-ફાઇનલ રમી ચૂકી છે. 

wimbledon novak djokovic sports news sports sachin tendulkar anjali tendulkar shubman gill