મેસી, નેમાર, કીલિયાન ઍમ્બપ્પે પીએસજીને હારથી ન બચાવી શક્યા

17 January, 2023 02:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બાર્સેલોનાએ રિયાધમાં સ્પૅનિશ સુપર કપની ફાઇનલમાં રિયલ મૅડ્રિડને ૩-૧થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું

લિયોનેલ મેસી, કીલિયાન ઍમ્બપ્પે અને નેમાર

ફ્રેન્ચ લીગ ફુટબૉલ ટુર્નામેન્ટમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) પૉઇન્ટ્સમાં મોખરે છે, પણ રવિવારે પૅરિસમાં એને પાંચમા નંબરની રેનીસ ક્લબની ટીમે ૧-૦થી હરાવી દીધી હતી. મુખ્ય વાત એ છે કે પીએસજીની ટીમમાં તાજેતરના કતાર વર્લ્ડ કપના બે સુપરસ્ટાર લિયોનેલ મેસી અને કીલિયાન ઍમ્બપ્પે તેમ જ બ્રાઝિલનો સુપરસ્ટાર નેમાર હતો છતાં પીએસજીની ગેમ ગોલ વિનાની રહી અને પરાજિત થઈ.

પીએસજીએ મેસી અને નેમાર સાથે આક્રમણની શરૂઆત કરી હતી અને વિશ્વકપમાં સૌથી વધુ ૮ ગોલ કરનાર ઍમ્બપ્પેને પછીથી અટૅક પર મૂક્યો હતો, પરંતુ રેનીસનું ડિફેન્સ એવું સૉલિડ હતું કે ત્રણેયમાંથી એકેય સ્ટાર ખેલાડી ગોલ નહોતો કરી શક્યો. ઊલટાનું ૬૫મી મિનિટમાં રેનીસના હેમારી ત્રાઓરે પીએસજીનું ડિફેન્સ તોડીને મૅચનો એકમાત્ર અને વિનિંગ ગોલ કર્યો હતો.

આ પણ વાંચો : લિયોનેલ મેસી વિનાની પૅરિસની ટીમ હારી : ઍમ્બપ્પે પણ ટીમનો પરાજય ટાળી ન શક્યો

બાર્સેલોના છેક હવે મેસી વિના પહેલી ટ્રોફી જીત્યું

બાર્સેલોના ક્લબની ટીમમાંથી લિયોનેલ મેસી ૨૦૨૧ની સાલમાં નીકળી ગયો અને પીએસજીમાં જોડાયો હતો. ત્યાર પછી બાર્સેલોનાની ટીમ એકેય ટ્રોફી નહોતી જીતી શકી, પરંતુ રવિવારે એ ઇન્તેજારનો અંત આવ્યો હતો. બાર્સેલોનાએ રિયાધમાં સ્પૅનિશ સુપર કપની ફાઇનલમાં રિયલ મૅડ્રિડને ૩-૧થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. બાર્સેલોના વતી રૉબર્ટ લેવાન્ડોવ્સ્કી, ગાવી અને પેડ્રીએ એક-એક ગોલ કર્યો હતો.

અમારી ટીમ કેમ એકેય ગોલ કરવામાં સફળ ન થઈ અને ક્યાં શું ખોટું થયું છે એ શોધવા હું થોડી વિડિયો-ક્લિપ્સ જોઈશ. બધી ખબર પડી જશે. ફોટો અને વિડિયો બધું કહી દેશે. ક્રિસ્ટોફર ગોલ્ટિયર (પીએસજીના કોચ)

sports news sports football psg lionel messi neymar