15 November, 2026 09:12 AM IST | Japan | Gujarati Mid-day Correspondent
લક્ષ્ય સેન
લક્ષ્ય સેને સીઝનના અંતિમ તબક્કામાં પોતાનું શાનદાર ફૉર્મ જાળવી રાખીને શનિવારે ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાનને ત્રણ ગેમના મુકાબલામાં હરાવીને કુમામોતો માસ્ટર્સ જપાન 2026ની મેન્સ સિંગલ્સ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ જીત સાથે તેણે બૅડ્મિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF)નું સતત બીજું ટૂર ટાઇટલ જીતવાની પોતાની આશા પણ જીવંત રાખી છે.
૬૯ મિનિટની રોમાંચક મૅચમાં આઠમા ક્રમાંકિત ભારતીય શટલરે બીજી ગેમમાં પછડાટ ખાધા બાદ જોરદાર વાપસી કરીને છઠ્ઠા ક્રમાંકિત ફરહાનને ૨૧-૧૨, ૧૫-૨૧, ૨૧-૧૧થી પરાજય આપ્યો હતો. અગાઉના બે મુકાબલામાં ઇન્ડોનેશિયન ખેલાડી સામે હારનો સામનો કર્યા બાદ લક્ષ્ય સેનની ફરહાન સામે આ પ્રથમ જીત છે.
સેમી-ફાઇનલની આ જીતે સેનના ઉત્સાહજનક પ્રદર્શનને આગળ ધપાવ્યું છે. જર્મનીમાં હાઇલો ઓપનનું ટાઇટલ જીત્યા બાદ તે જપાન પહોંચ્યો હતો. પહેલી નવેમ્બરે રમાયેલી હાઇલો ઓપનની ફાઇનલમાં તેણે ડિફેન્ડિંગ ચૅમ્પિયન જોનાથન ક્રિસ્ટીને ૨૧-૧૭, ૨૧-૧૦થી હરાવીને નવેમ્બર ૨૦૨૫માં ઑસ્ટ્રેલિયન ઓપન જીત્યા બાદનું પોતાનું પ્રથમ BWF ટૂર ટાઇટલ કબજે કર્યું હતું.
આ ફાઇનલ મુકાબલો સેનની BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ માટે ક્વૉલિફાય થવાની આશાઓ માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
સેમી-ફાઇનલ પહેલાં તે ક્વૉલિફિકેશન રેસમાં બારમા સ્થાને હતો, જ્યારે ચાઇનામાં રમાનારી સીઝનની અંતિમ ટુર્નામેન્ટમાં માત્ર ટૉપ-૮ ખેલાડીઓને જ સ્થાન મળે છે. સતત બીજું ટાઇટલ જીતવાથી ટૉપ-૮માં સ્થાન મેળવવાનો તેનો દાવો વધુ મજબૂત બનશે.