News In Shorts: મહિલા તીરંદાજીના વર્લ્ડ કપમાં ભારતનો બીજો બ્રૉન્ઝ

20 May, 2022 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ કોરિયાના ગ્વાંગ્ઝુમાં યોજાયેલા તીરંદાજીના વર્લ્ડ કપના બીજા તબક્કામાં ભારતીય મહિલાઓની રીકર્વ ટીમ ગઈ કાલે બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

મહિલા તીરંદાજીના વર્લ્ડ કપમાં ભારતનો બીજો બ્રૉન્ઝ

મહિલા તીરંદાજીના વર્લ્ડ કપમાં ભારતનો બીજો બ્રૉન્ઝ

સાઉથ કોરિયાના ગ્વાંગ્ઝુમાં યોજાયેલા તીરંદાજીના વર્લ્ડ કપના બીજા તબક્કામાં ભારતીય મહિલાઓની રીકર્વ ટીમ ગઈ કાલે બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ભારતીય ટીમમાં રિધિ, કોમલિકા બારી અને અંકિતા ભકટનો સમાવેશ હતો. તેમણે ચાઇનીઝ તાઇપેઇની ટીમને ૬-૨થી હરાવી હતી. સેમી ફાઇનલમાં ભારતનો યજમાન સાઉથ કોરિયા સામે ૨-૬થી પરાજય થયો હતા અને ત્યાર પછી બ્રૉન્ઝ માટેની તાઇપેઇ સામેની મૅચમાં ભારતીય તીરંદાજોએ પર્ફોર્મન્સ સુધારીને વિજય મેળવ્યો હતો. બુધવારે ભારતની કમ્પાઉન્ડ ટીમે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. શનિવારે પુરુષોની કમ્પાઉન્ડ ટીમ ફાઇનલમાં રમશે જેમાં ભારત ગોલ્ડ અથવા સિલ્વર જીતી શકે.

ભારત-પાકિસ્તાનની સોમવારે હૉકીમાં ટક્કર
ઇન્ડોનેશિયાના જકાર્તામાં સોમવાર, ૨૩ મેએ પુરુષોની એશિયા કપ હૉકી સ્પર્ધા શરૂ થઈ રહી છે જેમાં પહેલા જ દિવસે કટ્ટર હરીફો ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. પુલ ‘એ’માં જપાન અને યજમાન ઇન્ડોનેશિયા પણ છે, જ્યારે પુલ ‘બી’માં મલેશિયા, સાઉથ કોરિયા, ઓમાન અને બંગલાદેશ સામેલ છે. આ વર્લ્ડ કપ ક્વૉલિફાયર ટુર્નામેન્ટ છે જેમાં ભારત-પાકિસ્તાન મૅચના જીવંત પ્રસારણમાં સૌથી વધુ વ્યુઅરશિપ નોંધાશે.

ફ્રૅન્કફર્ટની ટીમ યુરોપા લીગમાં ચૅમ્પિયન
મૅડ્રિડમાં બુધવારે આઇનથ્રાથ ફ્રૅન્કફર્ટ અને રેન્જર્સ વચ્ચે યુરોપા લીગ ફુટબૉલ સ્પર્ધાની ફાઇનલ રમાઈ હતી, જે ૧૨૦ મિનિટમાં ૧-૧થી ડ્રૉ રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રૅન્કફર્ટે ૫-૪થી રોમાંચક વિજય મેળવ્યો હતો. કુલ ૧,૨૦,૦૦૦ પ્રેક્ષકોએ આ મૅચ સ્ટેડિયમમાં બેસીને જોઈ હતી અને એ દરમ્યાન કેટલાક તોફાની બનાવો પણ બન્યા હતા. પ્રેક્ષકોના એક વર્ગમાં હરીફ લોકોએ એકમેક સામે ખુરસી અને બૉટલ ફેંકી હતી. 

જુનિયર શૂટિંગમાં ભારત નંબર વન

જર્મનીમાં જુનિયર શૂટર્સના વર્લ્ડ કપમાં ભારતે ગઈ કાલે મોખરે રહીને સ્પર્ધા પૂરી કરી હતી. સિફ્ત કૌર સામરા અને સૂર્યપ્રતાપ સિંહની જોડી મિક્સ્ડ-ડબલ્સમાં સિલ્વર મેડલ જીતી હતી. અવ્વલ ભારતના કુલ ૩૩ મેડલમાં ૧૩ ગોલ્ડ, ૧૫ સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ હતા.

મૅચ ડ્રૉ ઃ મૅથ્યુઝ હીરો

શ્રીલંકા અને બંગલાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ગઈ કાલે ડ્રૉમાં પરિણમી હતી. શ્રીલંકાના ૩૯૭ સામે બંગલાદેશે ૪૬૫ રન બનાવ્યા હતા અને ગઈ કાલની છેલ્લા દિવસની રમતના અંત સુધી બીજા દાવમાં શ્રીલંકાના ૬ વિકેટે ૨૬૦ રન હતા. પહેલા દાવમાં ૧૯૯ રન બનાવનાર શ્રીલંકાના ઍન્જેલો મૅથ્યુઝને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

sports news