ઇંગ્લૅન્ડ સામે ટોક્યોમાં મળેલા પરાજયનો બદલો લેવા રમશે ભારતીય મહિલા હૉકી ટીમ

03 July, 2022 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેધરલૅન્ડ્સમાં રમાઈ રહેલા હૉકી વર્લ્ડ કપમાં ભારતનો આજે પ્રથમ મુકાબલો

ઇંગ્લૅન્ડ સામે ટોક્યોમાં મળેલા પરાજયનો બદલો લેવા રમશે ભારતીય મહિલા હૉકી ટીમ

આત્મવિશ્વાસથી છલોછલ ભારતીય મહિલા હૉકી ટીમ આજે વર્લ્ડ કપના પુલ-‘બી’ની પોતાની પહેલી મૅચમાં આજે ઇંગ્લૅન્ડ સામે નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટેલવીનમાં રમવા માટે ઊતરશે ત્યારે એનો ઉદ્દેશ ટોક્યોમાં મળેલી હારનો હિસાબ ચૂકતે કરવાનો હશે. ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલની મૅચમાં ઇંગ્લૅન્ડે ભારતને ૪-૩થી હરાવ્યું હતું. જોકે વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ જોશમાં છે. કારણ કે એફએચઆઇ પ્રો લીગમાં પહેલી વખત રમતાં તે ત્રીજા ક્રમાંકે રહી હતી. 
વર્લ્ડ કપમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન ૧૯૭૪ની પહેલી સીઝનમાં રહ્યું હતું, જ્યારે ટીમ ચોથા સ્થાને રહી હતી. ટોક્યોમાં પણ ચોથા સ્થાને રહેવા છતાં ભારતીય મહિલા ટીમનું પ્રદર્શન સુધરતું રહ્યું છે. મે મહિનામાં ભારતીય ટીમ એફએચઆઇ રૅન્કિંગ્સમાં છઠ્ઠા સ્થાને પહોંચી જે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ત્યાર બાદ પ્રો લીગમાં મોટી ટીમને આકરો પડકાર આપ્યો હતો. 
ભારતીય ટીમ એફએચઆઇ પ્રો લીગમાં બેલ્જિયમ, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડથી આગળ રહી છે. અનુભવી ગોલકીપર સવિતા પૂનિયાએ કૅપ્ટન્સી સારી રીતે સંભાળી છે. ઈજાને કારણે રાની રામપાલ ટોક્યો ઑલિમ્પિક બાદ ટીમમાંથી બહાર છે. સવિતા પોતે શાનદાર ફૉર્મમાં છે. તેનો સાથ આપવા યુવા ગોલકીપર બિછુદેવી ખારીબામ છે. પૂરતી તૈયારી છતાં ભારતની કૅપ્ટન રાની રામપાલના અનુભવની ખોટ વર્તાશે. ભારત ૨૦૧૮ વર્લ્ડ કપમાં આઠમા ક્રમાંકે રહ્યું હતું, પરંતુ આ વખતે ટીમ મેડલ જીતવા માગે છે. વર્તમાન ફૉર્મ અને પરિણામ જોતાં આ વાત સાવ અશક્ય નથી લાગતી. 

કૅપ્ટને કરી દર્શકોને હાજર રહેવાની અપીલ

ભારતીય કૅપ્ટન સવિતા પુનિયાને એવી આશા છે કે નેધરલૅન્ડ્સમાં રહેતા ભારતયો વર્લ્ડ કપ દરમ્યાન તેમની મૅચ જોવા આવશે. સવિતાએ કહ્યું કે રોટરડૅમમાં પ્રો લીગની મૅચ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. દર્શકોના સમર્થનને લીધે સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે.

sports news hockey