23 July, 2023 06:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રોફી સાથે પાકિસ્તાનનો કૅપ્ટન મોહમ્મદ હૅરિસ અને ભારતનો કૅપ્ટન યશ ધુલ.
ઇમર્જિંગ એશિયા કપમાં આજે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન દેખાડનાર ઇન્ડિયા-એ ટીમ કોલમ્બોમાં રમાનારી ફાઇનલ મૅચમાં પાકિસ્તાન પર દબદબો જાળવવા માગશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ હોય તો કોઈ પણ ટીમને વધતી-ઓછી આંકી શકાતી નથી, પરંતુ આજની મૅચમાં ભારત ફેવરિટ છે, કારણ કે લીગ મૅચમાં એણે પાકિસ્તાનને હરાવ્યું હતું. અગાઉ ૧૦ વર્ષ પહેલાં ભારત અને પાકિસ્તાનની આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં ટક્કર થઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. ૨૦૧૩ની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની અન્ડર-૨૩ ટીમ વચ્ચે સ્પર્ધા હતી. ભારતનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનનો હમાદ આઝમ હતો. ૫૦-૫૦ ઓવરની આ મૅચમાં ભારતને માત્ર ૧૬૦ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે એણે ૩૩.૪ ઓવરમાં એક વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ભારત તરફથી લોકેશ રાહુલે નૉટઆઉટ ૯૩ રન કર્યા હતા અને એ બદલ તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો.
આજની ફાઇનલમાં પણ ભારતના યુવા ખેલાડીઓ કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનવાનો અભિગમ ધરાવે છે. બંગલાદેશ સામેની સેમી ફાઇનલમાં પણ ભારત માત્ર ૨૧૧ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. વળી બંગલાદેશ ૧૮ ઓવરમાં એક વિકેટે ૯૪ રન કરતાં એ જીતશે એવું લાગી રહ્યું હતું, પણ ભારતીય સ્પિનરો નિશાંક સિંધુ અને માનવ સુથારની બોલિંગ સામે બંગલાદેશ ૧૬૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. આમ એક તબક્કે બાંગલાદેશની અસંભવિત જણાતી જીત ભારતે છીનવી લીધી હતી.
ફાઇનલમાં પહોંચનાર પાકિસ્તાનની ટીમને નબળી ન આંકી શકાય. એના કેટલાક ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય અને પીએસએલનો અનુભવ ધરાવે છે. ઑલરાઉન્ડર મોહમ્મદ વસીમ, કૅપ્ટન મોહમ્મદ હૅરિસ, ઓપનર સાહિબજાદા ફરહાન અને ફાસ્ટ બોલર અર્શદ ઇકબાલ આંતરરાષ્ટ્રીય મૅચનો અનુભવ ધરાવે છે.